Friday, July 17, 2015

www.ashokhndocha.blogspot.com M-94262 54999 hndochaashok@gmal.com-latest inf. by ashok Hindocha

www.ashokhndocha.blogspot.com M-94262 54999 hndochaashok@gmal.com

ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આર્શિવાદ આપતા દલાઇ લામા

Anandiben Ne Ashirvad
Anandiben Ne Ashirvad
નિતી આયોગની બેઠકમાં ભાગ લેવા દિલ્‍હી ગયેલા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત ભવન ખાતે તીબેટીયન આધ્‍યાત્‍મીક ગુરૂ દલાઇ લામા સાથે મુલાકાત કરીને તેમના આર્શીવાદ મેળવ્‍યા હતા તે પ્રસંગની તસવીર

કે. એ. કરમટાએ સંયુકત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો

K. A. karmta
K. A. karmta
રાજકોટ   રાજકોટ સ્‍થિતિ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુકત માહિતી નિયામક તરીકે નિયુકત પામેલા કે. એ. કરમટાએ પદભાર સંભાળ્‍યો હતો. તેઓ ગાંધીનગર સ્‍થિત માહિતી કમિશનર કચેરીની પ્રકાશન શાખામાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા અને  રાજય સરકરે  તેમને બઢતી આપી રાજકોટ ખાતે નિમણુંક આપી છે. શ્રી કરમટા આ અગાઉ જામનગર, જૂનાગઢમાં પણ નાયબ નિયામક તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ કાર્યકારી સંયુકત માહિતી નિયામક તરીકે રાજકોટમા પણ ત્રણ વર્ષ સુધી સેવાઓ આપી હતી. શ્રી કરમટા માહિતી ખાતામા વિશાળ  અનુભવ ધરાવે છે. અને પોતાના સકારત્‍મક વલણ માટે જાણિતા છે. તેઓ માહિતી અધિકારી તરીકે આ ખાતામા જોડાયા બાદ સીધી ભરતીમા સહાયક માહિતી નિયામકના પદ માટે પસંદગી પામ્‍યા હતા. બાદમા ગુજરાતના વિવિધ જિલાઓમા પણ ફરજ બજાવી છે.  નાયબ માહિતી નિયામક નિરાલા જોશી સહિત પ્રાદેશિક માહિતી કચેરીના સમગ્ર સ્‍ટાફે તેમને આવકાર્યા હતાં.

વલસાડમાં અમેરિકન મકાઈના સ્ટોલ પર કબ્જો જમાવતા કપિરાજ

Kapiraj in Valsad
Kapiraj in Valsad
વલસાડ : હનુમાનજીના રૂપ તરીકે ગણાતા તેમજ મનુષ્યના પૂર્વજ તરીકે પણ કહેવાતા કપિરાજ કેટલાક દિવસોથી વલસાડ શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે કપિરાજ હુમલા કરતા હોવાથી લોકોમાં ડર રહે છે પરંતુ આ કપિરાજ મનુષ્ય સાથે ટેવાઈ ગયા હોય એમ વલસાડના હાલર રોડ સ્થિત એલઆઈસી ઓફિસ પાસે મકાઈની લારી ઉપર આવી પહોંચતા લારીવાળા ભાઈઓ ગભરાઈને ભાગ્યા હતા. બાદમાં કપિરાજે લારી ઉપર લટકાવેલી મકાઈ ખેંચી લઈ એલઆઈસી ઓફિસના પ્રવેશદ્વાર ઉપર બેસીને નિરાંતે ખાધી હતી તેમ છતાં તેની ભૂખ સંતોષાઈ ન હોય એમ ફરી લારી ઉપર આવી પોતાની મેળે જ મકાઈ લઈ ફરી એલઆઈસીના ગેટ ઉપર બેસીને પેટ ભરીને ખાધી હતી. જે દ્રશ્યને નિહાળવા માટે વાહનચાલકો તેમજ રાહદારીઓ પણ ઘડી બે ઘડી થોભી ગયા હતા.

છેલ્લા પાંચ વર્ષથી કેન્સરના દર્દીઓ માટે નિ:શુલ્ક હોમ કેર સેવા અપાય છે

થોડા સમય પહેલા એક જ ગામમાં ૩૦ ટકા કરતા વધુ લોકોને કેન્સર છે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. દેશભરમાં કેન્સરની વધતી સમસ્યા સામે તેનો કોઈ ઉપાય આપણી પાસે નથી ખાસ કરીને છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓને કિમોથેરથી, રેડીઓથેરપી, ઓપરેશન કે અન્ય કોઈ પ્રકારની કેન્સરની ટ્રીટમેન્ટ ફાયદા કારક નથી રહેતી ત્યારે દર્દી તથા તેના સગા સબંધીઓની પરિસ્થિતિ ઘણી કરુણાજનક બની જતી હોય  છે. આવી પરિસ્થિતિને પાર પાડવા અને ખર્ચાળ હોસ્પિટલોના ચાર્જથી  રાહત મળી રહે તે હેતુથી શિવરંજની ચાર રસ્તા પાસે શ્યામ ઓન્કોલોજી ફાઉન્ડેશન દ્વારા કરૃણાલય કેન્સર પેલીએટીવ કેર સેન્ટરની શરુઆત કરી છે. જેમાં  દર્દીની પીડા જેવી કે અસહ દુ :ખાવો, શ્વાસની તકલીફ, ઉબકા-ઉલટી, ઝાડા જેવી ખરાબ પરિસ્થિતિ ઓછી થઈ શકે તે માટે તબીબી કાળજી લેવામાં આવે છે તેમજ દર્દીને ત્યાં રહેવાનું, જમવાનું, દવાઓ, કાઉન્સલીંગ નિ :શુલ્ક કરી અપાય છે. આ અંગે માહિતી આપતા મેનેજિંગ ટ્રસ્ટી સોનલબહેન શાહ કહે છે કે અમે છેલ્લા સ્ટેજ પર કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ‘જીવનમાં દિવસો નહીં પણ દિવસોમાં જીવન ઉમેરવાનું કામ કરીએ છીએ’ અહીં દર્દીને ખુશી મળે તે માટે સંગીત, ટી.વી, કેરમ, ચેસ જેવી એન્ટરટેન્ટમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતીનો ભેદ ભાવ રાખ્યા વગર દરેક દર્દીને તેના ધર્મ પ્રમાણે તહેવારની ઉજવણી કરાવાય છે. અને દર્દી સાથે આવેલા સગાને પણ અહીં નિ :શુલ્ક રાખવામાં આવે છે. ૨૦૧૨થી લઈ આજ સુધી અહીં ૧૦૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે. જો કેન્સરનો દર્દી છેલ્લા સ્ટેજમાં હોય અને તે હોસ્પિટલ જવા ન માંગતો હોય તો કરુણાલય ટ્રસ્ટના ડોક્ટરો, કાઉન્સલર, સોશ્યલ વર્કર અને સીસ્ટરની એક ટીમ દર્દીના ઘરે જઈને તેમને સારવાર પુરી પાડે છે જો દર્દી હોસ્પિટલમાં રાત્રે રોકાવવા ન ચાહે તો તેમને સવારથી સાંજ સુધી નિ :શુલ્ક દવાઓ, બે ટાઈમનું ભોજન અને દિવસ દરમિયાન રહેવાની વ્યવસ્થા પણ કરી આપાય છે.
દર્દીઓને બધી નિ:શુલ્ક સેવાઓનો લાભ મળશે
– ઘરે બેઠા કાઉન્સલીંગ
– તમામ પ્રકારની દવાઓ
– દર્દીઓને રહેવા, જમવાની સગવડ
– દર્દી સાથે સગાને રહેવાની સગવડ
– દર્દીના છેલ્લા દિવસોમાં શકય તેટલો આનંદ આપવા પ્રયાસ
– દર્દીના સગાવાહલાનું અને દર્દીનું કાઉન્સલીંગ

જામનગર નો પીરોટન ટાપુ એશિયાનું એક માત્ર દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન કહેવાય છે

Pirotan Island - Jamnagar
Pirotan Island – Jamnagar
પીરોટન બેટ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના સૌરાષ્ટ્રમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉઘાન માં આવેલ એક પરવાળા ટાપુનું નામ છે. પરવાળા ટાપુ આસપાસની અદ્ભુત દરીયાઈ સૃષ્ટી ઉપરાંત અહીયા તમ્મર (અંગ્રેજીઃ મેન્ગ્રોવ) ના જંગલ છે તથા ટાપુ પર એક દીવાદાંડી પણ આવેલી છે. અહીના ૪૨ ટાપુઓમાં થી માત્ર પીરોટન ટાપુ અને નરારા ટાપુ પર જ લોકોને પ્રવેશવા અને ફરવા દેવામાં આવે છે. પીરોટન ટાપુ પર સરળતાથી પહોંચી શકાતું હોવાથી તે વધુ લોકપ્રિય છે. જયારે નરારા ટાપુ પર માળખાકીય સવલતોનો અભાવ છે અને ભરતી વધારે હોય તેવા અમુક સમયે જ ત્યાં જઈ શકાય છે. પીરોટન ટાપુની દીવાદાંડી ખાતે કામ કરતા કામદારોને બાદ કરતા આ ટાપુઓ નિર્જન છે તો તમારી આસપાસના વિશાળ વિશ્વમાં ખોવાઇ જવાની તકને ઝડપી લઈને થોડી જાણકારી મેળવીને તમે પણ ઓછી ભરતીના પાણીમાં હરતાં ફરતાં, પાણી ઓછું થવાને કારણે જોઇ શકાતાં આકર્ષક સામૂદ્રિક જીવનને માણતા કલાકો ગાળી શકો છો. જો કે જેલીફીશ જેવા કેટલાક જીવોથી દૂર રહેવુ હિતાવહ છે. ઉઘાન અધિકારીઓને પૂછીને એ ખાતરી કરી લો કે બીજા કયા જીવો પ્રતિબંધિત છે પણ નુકશાનકારી ન હોય તેવા જીવોના સ્પર્થનો લ્હાવો લેવાનું ચૂકશો નહીં..
દરિયાને તીરે એક બાંધી’તી ઓટલી જેવા ગીતોના સથવારે દરિયાકાંઠાની મજા માણનારા લોકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપરાંત નરારા, પીરોટન અને પોશીત્રા ટાપુની મુલાકાત શિયાળાના સમયમાં કેવી રોમાંચકારી હોય છે..? અલબત અત્યારે જામનગર નજીકનો પિરોટન ટાપુ કોરલ ટ્રેલ દ્વારા દરિયામાં પુલ બનાવી પરવાળાનું રક્ષણ કરવાનો પ્રોજેકટને લઈને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આંદામાન, નિકોબારથી દરિયાઈ જીવને અહિયા ટ્રાન્સપ્લાન્ટ કરાશે દર વર્ષે શિયાળાના સમયમાં ૧૬૨ ચોરસ કિ.મી.માં પથરાયેલા મરીન નેશનલ પાર્કના હજારો લોકો મુલાકાત લ્યે છે. આ મરીન નેશનલ પાર્કની સાથે જોડાયેલા દરિયાઈ જીવસૃષ્ટીના નેશનલ અભ્યારણયમાં મોટા પ્રમાણમાં સમુદ્ર તારા, સમુદ્ર ફુલ, ઢોંગી માછલી, પરવાળા, એક્રોપોરા, સ્ટારફીશ વિગેરે મોટા પ્રમાણમાં જોવા મળે છે. દરિયાકાંઠા પર સર્જાતી ભરતી અને ઓટ દરમિયાન અહી જે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળે છે તે નિહાળવા માટે સંખ્યાબંધ પ્રવાસીઓ અત્યારે ઉમટી પડે છે પરંતુ પરવાળાના રક્ષણ માટે અત્યારે પીરોટન ટાપુ બંધ કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ સુધી આ ટાપુ ઉપરની દરિયાઈ જીવ સૃષ્ટિને ડીસ્ટર્બ નહી કરવાના હેતુથી પિરોટન ટાપુ ઉપર જઈ શકાતુ નથી પિરોટન અને પોશિત્રાના ટાપુ પર પથરાયેલી જીવસૃષ્ટિ નિહાળી ને પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય છે.
દેશના એકમાત્ર મરીન નેશનલ પાર્કના વિકાસ માટે કોરલ ટ્રેલ બનાવવાનું આયોજન ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. જો આ ટ્રેલ બનાવવામાં આવશે તો જમીનથી ઉંચી ટ્રેલ ઉપરથી પ્રવાસીઓ પસાર થઈ શકશે. કોરલને નુકશાન નહી થાય એ જ રીતે અહી ડેડ ફિંગર કોરલનું પ્રમાણ વધી ગયું હોવાથી આંદામાન અને નિકોબાર ટાપુ ઉપરથી એક્રોપોશ નામના દરિયાઈ જીવને અહી લાવી ઉછેરવાનો પ્રોજેકટ પણ હાથ ધરવામાં આવ્યો છે. વધુમાં દરિયાઈ જીવોની સુરક્ષા માટે અહીના દરિયાકાંઠાના ૫૮ ગામોમાં કેટલાક જાગૃતિલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવે છે તેથી મરીન નેશનલ પાર્કની દરિયાઈ જીવસૃષ્ટિનું જતન થઈ શકયું છે. ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકાંઠા પર અત્યારે સૌથી વધુ સમૃધ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ મરીન નેશનલ પાર્ક વિસ્તારમાં સચવાયેલી છે ત્યારે તેનું પ્રાકૃતિક ઢબે રક્ષણ કરવામાં લોક ભાગીદારી ઉમેરવી જરૃરી છે. પીરોટન ટાપુ અંગે વધુ માહિતી માટે ગુજરાત ટુરીઝમ ના ફોન નંબર ૦૭૯- ૨૩૯૭૭૨૦૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૦૦ ૫૦૮૦ઉપર સંપર્ક કરી શકાય છે  

પાટડી ના ૧૦૫ વર્ષનાં માજી પરિવારના ગુજરાન માટે શાકની લારી ચલાવે છે

Kanuben Thakor - Patdi
Kanuben Thakor – Patdi
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ગામમાં જીવનની અનેક તડકી – છાંયડી જોયા બાદ પોતાની બોબડી પુત્રવધુ અને અપંગ પુત્રની ૧૦૫ વર્ષની વૃદ્ધ માતા આજેય શાકભાજીની લારીથી પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવે છે. જીવનમાં આવેલા એક પછી એક દુ:ખનાં પહાડને પાર પાડવા આ વૃદ્ધાએ અનેક માનતાઓ સાથે બહુચરાજી, અંબાજી, રણુંજા અને છેક દ્વારકા સુધીની પગપાળા યાત્રાઓ પણ કરી છે. પાટડી ખાતે આવેલી શાકમાર્કેટની મુલાકાત લો તો તમને યુવાનોને પણ શરમાવે એવા ૧૦૫ વર્ષનાં વૃધ્ધા કનુબેન  ઠાકોર વટથી શાકભાજીનો ધંધો કરતો જોવા મળે છે.  પોતાની આંખોમાં ઝળહળિયા સાથે તેઓ પોતાનું દુઃખ જણાવતા કહે છે કે  હું અને  મારા પતિ ચકાજી સડલીયા (ઠાકોર) દરબારી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. મારે સંતાનમાં સાત દિકરા અને ૧  દિકરી હતી પરંતુ પતિનાં મોત બાદ કુદરતની ક્રૂર થપાટ સામે મારા ૭ દિકરામાંથી પાંચ દિકરા અકાળે મોતને  ભેટ્યા હતાં મારો મોટો દિકરો જીવો દુદાપર ગામે મજૂરી કામ કરે છે અને એનાથી નાનો દિકરો બળદેવ અપંગ છે. જ્યારે એની પત્ની બોબડી છે અને જીવનમાં આવેલા એક પછી એક દુઃખનાં પહાડ સામે મે અનેક માનતાઓ રાખી હતી અને  સતત ૨૫ વર્ષ સુધી દર પૂનમે પગપાળા બહુચરાજી પણ ગઇ હતી આ સિવાય માનતાઓ પુરી કરવા અંબાજી, રણુંજા અને છેક  દ્વારકા સુધીનાં પગપાળા યાત્રાઓ કરી છે. અને આજની તારીખે પણ હું મારા અપંગ દિકરાને લઈને સવારે નવ થી બપોરનાં એક વાગ્યા સુધી શાકભાજીની લારી પર બેસવા અચૂક જવુ છું. ખરેખર ૧૦૫  વર્ષની વયે પોતાના અપંગ દિકરા અને બોબડી પુત્રવધુ માટે શાકભાજીની લારી દ્વારા પેટીયુ રળતા પાટડી ના ૧૦૫ વર્ષના વૃદ્ધાની જીંદાદિલીને ચાલો તેમને દિલથી સલામ  કરીએ

ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત શા કારણે સડી ગયા છે..?

 – સંજય વોરા
Dental Treatment
Dental Treatment
એક બહુ જાણીતી ટૂથપેસ્ટના ઉત્પાદકો તાજેતરમાં ગાઇવગાડીને જાહેરાત કરે છે કે ભારતમાં દર બીજા માણસના દાંત સડેલા છે. આજે તો ગામડાના લોકો પણ મોટાપાયે ટૂથપેસ્ટ વાપરી રહ્યા છે. તેમ છતાં જો ભારતના ૫૦ ટકા નાગરિકોના દાંત સડી જતા હોય તો તે માટે આજકાલ બજારમાં વેચાતી ટૂથપેસ્ટો જ જવાબદાર હોવી જોઇએ. આજનો ટૂથપેસ્ટનો ધંધો કેવળ નફો રળવા માટે ખોટા દાવાઓ કરી આપણને ગુમરાહ કરતી મલ્ટિનેશનલ કંપનીઓના હાથમાં છે. આ ટૂથપેસ્ટને સ્વાદિષ્ટ, સુગંધી અને આકર્ષક બનાવવા માટે તેમાં અનેક ઝેરી રસાયણો વાપરવામાં આવે છે, જેની કદાચ આપણા ડેન્ટિસ્ટને પણ જાણ નથી હોતી. આપણા ડેન્ટિસ્ટ પણ ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ પાસેથી કમિશન મેળવીને ટૂથપેસ્ટોના દલાલો બનીને દાંતના આરોગ્ય બાબતમાં આપણને ગુમરાહ કરવાનું કાર્ય કરે છે. આ કારણે જે આજે વિદેશોમાં હોલિસ્ટિક ડેન્ટિસ્ટ્રીની અને નેચરલ ટૂથપેસ્ટોની ડિમાન્ડ વધી ગઇ છે. આપણા વડવાઓ બાવળ, લીમડો, દાડમ કે કરંજનાં દાતણ કરતા હતા અને ૧૦૦ વર્ષની ઉંમર સુધી તેમના દાંત મજબૂત રહેતા હતા. આપણા ૭૦ વર્ષના વૃદ્ધો પણ પોતાના દાંત વડે શેરડીનો સાંઠો તોડીને ખાઇ શકતા હતા. આપણાં બાળકો નાનાં હોય ત્યારથી તેમના દાંત સડવા લાગે છે અને ડેન્ટિસ્ટને ત્યાં આપણાં ચક્કર ચાલુ થઇ જાય છે. આપણે બાળકોને નાનપણથી રોજ સવારે અને રાત્રે સૂતી વખતે ટૂથપેસ્ટ ઘસવાની આદત પાડીએ છીએ, છતાં આવું કેમ થાય છે? આપણા વડવાઓ કુદરતી દાતણ કરતા હતા, તેને બદલે આપણે મોટી મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતી ટૂથપેસ્ટ વાપરવાનું શરૂ કર્યું ત્યારે શું આપણને ખબર હતી કે આ ટૂથપેસ્ટમાં કયાં કયાં કેમિકલ્સ વાપરવામાં આવે છે અને તેની આપણા દાંત તેમ જ શરીર ઉપર શી અસર થાય છે? હવે પશ્ર્ચિમના વિજ્ઞાનીઓ આપણને ચેતવી રહ્યા છે કે ટૂથપેસ્ટને મીઠી બનાવવા માટે, તેમાં ફીણ પેદા કરવા માટે અને તેને આકર્ષક બનાવવા માટે અનેક હાનિકારક રસાયણો ભેળવવામાં આવે છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઇ શકે છે.
દાંતના આરોગ્ય માટે મીઠો સ્વાદ હાનિકારક માનવામાં આવ્યો છે. મીઠા પદાર્થમાં બેક્ટેરિયા વધુ થાય છે અને દાંત ઝડપથી સડે છે. તેમ છતાં ટૂથપેસ્ટના ઉત્પાદકો બાળકોને અને પુખ્ત વયના લોકોને પણ લલચાવવા માટે તેમાં સેકેરીન જેવા કેમિકલ્સ ઉમેરે છે અને પિપરમિન્ટનો સ્વાદ ધરાવતાં કૃત્રિમ રસાયણો પણ તેમાં નાખે છે. હકીકતમાં દાંતની અને પેઢાંની રક્ષા કરવી હોય તો તેને કડવો તેમ જ તૂરો રસ આપવો જોઇએ, પણ આવો સ્વાદ હોય તો બાળકો ટૂથપેસ્ટ વાપરે નહીં અને ધંધામાં ખોટ જાય, માટે દાંતના આરોગ્યની ઉપેક્ષા કરીને પણ ટૂથપેસ્ટમાં સેકેરીન ભેળવવામાં આવે છે. વિજ્ઞાનીઓના મતે સેકેરીન કેન્સરજનક પદાર્થ છે. બાળકો ટૂથપેસ્ટ કરતાં તેને ગળી જાય છે. તેના વાટે સેકેરીન તેમના પેટમાં જાય છે અને તેમને બ્લેડરનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. કોઇ વ્યક્તિ ટૂથપેસ્ટ ગળે નહીં પણ થૂંકી કાઢે તો પણ તેના મોંઢાની મ્યુકસ મેમ્બ્રેન વાટે સેકેરીન લોહીમાં ભળે છે અને કેન્સર પેદા કરે છે. દાંત સાફ કરવા માટે મોંઢામાં ફીણ પેદા કરવા બિલકુલ જરૂરી નથી. તો પણ લોકો પરંપરાગત રીતે દાતણ કરવાનું છોડીને ટૂથપેસ્ટ વાપરવા લોભાય તે માટે તેમાં ફીણ પેદા કરે તેવાં કેમિકલ્સ ભેળવવામાં આવે છે. જાણીને આંચકો લાગશે પણ કપડાં ધોવા માટેના સાબુ, ડિટર્જન્ટ અને શેમ્પૂમાં ફીણ પેદા કરવા માટે જે સોડિયમ લોરીલ સલ્ફેટ નામના પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો જ ઉપયોગ આપણાં મોંઢામાં બિનજરૂરી અને હાનિકારક ફીણ પેદા કરવા માટે કરવામાં આવે છે. સોડિયમ લોરીલ સલ્ફેટ આપણી આંખોને અને મગજને પણ નુકસાન કરે છે. તેના કારણે વાળ પણ ખરવા લાગે છે.
ટૂથપેસ્ટના ઉત્પાદકો આપણને ગાઇવગાડીને કહે છે કે તેમાં ફ્લોરાઇડ ભેળવવામાં આવ્યું છે, જેનાથી દાંતની રક્ષા થાય છે. આ ફ્લોરાઇડના વપરાશ બાબતમાં અમેરિકામાં જબ્બર વિવાદ ચાલી રહ્યો છે. ઘણા વિજ્ઞાનીઓ કહે છે કે ફ્લોરાઇડથી દાંતને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો બાળકો પેસ્ટની સાથે ફ્લોરાઇડ ગળી જાય તો તેમનાં મરણ પણ થઈ શકે છે, એમ અમેરિકાનું રિવોલ્યુશન હેલ્થ નામનું મેગેઝિન કહે છે. ફ્લોરાઇડનો ઉપયોગ ટૂથપેસ્ટમાં મર્યાદિત પ્રમાણમાં જ કરવાનાં ધારાધોરણો છે, પણ ફ્લોરાઇડ હવામાં ઊડી જતું હોવાથી ઉત્પાદકો તેમાં જરૂર કરતાં વધુ માત્રામાં ફ્લોરાઇડ ઠપકારે છે, જે હકીકતમાં દાંતને નુકસાન કરે છે. ફ્લોરાઇડના વધુ પડતાં ઉપયોગથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે અને દાંતનાં હાડકાં નબળાં પડે છે. આ ઉપરાંત ટૂથપેસ્ટમાં ટ્રિક્લોઝોન, ટિટેનિયમ ડાયોક્સાઇડ અને હ્યુમકંટ નામનાં કેમિકલ્સ વપરાય છે, જેનાથી આરોગ્યને ફાયદો થાય છે કે નુકસાન તેની આપણને કોઇ ચોક્કસ માહિતી નથી. તમે કોઇ ઇમાનદાર અને ટૂથપેસ્ટ બનાવતી કંપનીએ જેને ભ્રષ્ટ ન બનાવ્યો હોય તેવા કેમિસ્ટને જઇને પૂછશો તો તે સાચી વાત કરશે કે દાંતને સાફ કરવા માટે મહત્ત્વની વસ્તુ પેસ્ટ નથી પણ બ્રશ છે. દાંતને સાફ કરવાનું, તેમાંનો કચરો બહાર કાઢવાનું અને તેને ઝગમગતા બનાવવાનું બધું કાર્ય હકીકતમાં બ્રશ કરે છે. પરંતુ કોરું બ્રશ દાંત ઉપર ઘસી શકાય નહીં. તેને ઘસવા માટે કોઇ પ્રવાહી કે ચીકણા માધ્યમની જરૂર પડે. આ કામ પાણી કરી શકે છે અને પેસ્ટ પણ કરી શકે છે. કોઇ પણ બ્રશને પાણીમાં પલાળીને દાંત ઉપર ઘસો તેનાથી જેટલા દાંત સાફ થાય છે, તેટલી જ સફાઇ ટૂથપેસ્ટથી થાય છે, જરાય વધુ નહીં. પાણી તદ્દન નિર્દોષ છે, જ્યારે ટૂથપેસ્ટમાં અનેક ઝેરી રસાયણોનો ઉપયોગ થતો હોવાથી તે હાનિકારક છે. પાણી મફતમાં મળે છે, જ્યારે ટૂથપેસ્ટના રૂપિયા ખર્ચવા પડે છે. આ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે, જેનો કોઇ ડેન્ટિસ્ટ પણ ઇનકાર કરી શકશે નહીં. આજે આપણા ઘરોમાં ટૂથપેસ્ટનો જે વપરાશ જોવા મળે છે તે એના ગુણધર્મને કારણે નથી પણ મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પ્રચારને કારણે અને આપણા મગજના થયેલાં ધોવાણને કારણે છે.
ઇમાનદાર ડેન્ટિસ્ટો તમને કહેશે કે તમારે દર મહિને નવું બ્રશ લેવું જોઇએ. તેનું કારણ એ છે કે આ બ્રશમાં જ બેક્ટેરિયા પોતાનું ઘર બનાવે છે. બાળકો બ્રશ ઉપર મીઠી મીઠી ટૂથપેસ્ટ લઇને, દાંતે બ્રશ ઘસીને પછી આ બ્રશ સરખું ધોયા વિના કબાટમાં પાછું મૂકી દે છે. આ કારણે બ્રશમાં બેક્ટેરિયા પેદા થાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે. કોઇ પણ બ્રશને બીજી વખત વાપરવું હોય તો તેને ઓછામાં ઓછી દસ મિનિટ માટે ગરમ પાણીમાં ડૂબાડી રાખવું જોઇએ. જો આમ ન કરવામાં આવે તો બ્રશમાં પેદા થયેલાં બેક્ટેરિયા આપણા મોં વાટે શરીરમાં પ્રવેશ કરી જાય છે. જો બ્રશના દાંતા મુલાયમ અને ગોળાકાર છેડા ધરાવતા ન હોય તો તેનાથી દાંતનું ઇનેમલ ઘસાઇ જાય છે. યોગ્ય બ્રશ પસંદ કર્યા પછી, તેને યોગ્ય રીતે સાફ કરીને લીધા પછી પણ જો બ્રશનો ઉપયોગ દાંત ઉપર કેવી રીતે કરવો તે ન આવડતું હોય તો દાંતના ઇનેમલને અને અવાળાંને નુકસાન થઇ શકે છે. આ બધું કર્યા પછી પણ દર મહિને નવું બ્રશ લેવું અનિવાર્ય માનવામાં આવે છે. આપણા લોકો તો બ્રશને ગરમ પાણીથી કદી સાફ કરતાં નથી, એક બ્રશ એક વર્ષ સુધી ચલાવે છે અને કેવી રીતે બ્રશ કરવું તે પણ જાણતા નથી. આ સંયોગોમાં બ્રશથી દાંતને નુકસાન થયા વગર રહે જ નહીં.
જે રીતે ઇન્જેક્શનની સિરિન્જથી લાગતા ચેપથી બચવા માટે તબીબો ડિસ્પોસેબલ (એક વખત વાપરીને ફેંકી દેવાય તેવી) સિરિન્જનો ઉપયોગ કરવા લાગ્યા છે, તે રીતે બ્રશ પણ એક વખત વાપરીને ફેંકી દેવું જોઇએ, જેથી બેક્ટેરિયાથી બચી શકાય. તમે દલીલ કરશો કે દરરોજ નવું બ્રશ ખરીદવાનું કેમ પરવડે..? જેઓ દાતણ કરે છે તેઓ હકીકતમાં ડિસ્પોસેબલ બ્રશનો જ ઉપયોગ કરે છે. દાતણ એક વખત કરીને ફેંકી દેવાનું હોય છે, જેથી તેમાં કોઇ બેક્ટેરિયા પેદા થવાની સંભાવના જ રહેતી નથી. દાતણ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ બંનેનું કામ કરે છે. દાતણમાં જે કડવો અને તૂરો રસ હોય છે તે દાંતને સડાથી બચાવે છે. આ રસ  ૧૦૦%  નેચરલ હોય છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણો નથી હોતાં. આયુર્વેદના મતે કરંજનું દાતણ શ્રેષ્ઠ છે; પછી લીમડાના અને બાવળના દાતણનો વારો આવે છે. હવે ઘણી કંપનીઓ હર્બલ ટૂથપેસ્ટો કાઢવા લાગી છે. તેમાં પણ ફીણ ઉત્પન્ન કરવા માટે કેમિકલ્સ તો વાપરવામાં આવે જ છે. દાતણ જ એકમાત્ર ૧૦૦%  હર્બલ ટૂથપેસ્ટ છે અને સાથે ડિસ્પોસેબલ ટૂથબ્રશ પણ છે. દાંતના આરોગ્ય માટે દાતણ શ્રેષ્ઠ છે. આ વાત તમને કોઇ ડેન્ટિસ્ટ નહીં કહે કારણ કે દાતણ વેચનારા ફેરિયાઓ દાંતના ડોક્ટરને કોઇ કમિશન આપતા નથી પણ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી મલ્ટિનેશનલ કંપનીઓ આપે છે. દાંતમાં બેક્ટેરિયા અને સડો પેદા કરતા આહારવિહારનો ત્યાગ કરવામાં નહીં આવે ત્યાં સુધી દુનિયાની કોઇ દવા દાંતના રોગોથી બચાવી શકે તેમ નથી. આજે દાંતના રોગો વધ્યા છે, તેનું કારણ દાંતને નુકસાન કરે તેવાં ઠંડાં પીણાં, આઇસક્રીમ, ચોકલેટ, પિપરમિન્ટ, ચ્યુંઇગમ, ચા, કોફી વિગેરે પદાર્થોનું વધી રહેલું સેવન છે. લોકો ટીવી ઉપરની જાહેરખબરો જોઇને એવું માનવાને પ્રેરાય છે કે આ બધું ખાધા પછી પણ જો ફલાણી ટૂથપેસ્ટથી દાંત સાફ કરી લેશું તો દાંતને કોઇ નુકસાન નહીં થાય. આ હડહડતું જૂઠાણું છે. દુનિયાની કોઇ ટૂથપેસ્ટ કિટાણુઓ સામે ૨૪ કલાકની સુરક્ષા આપી શકતી નથી. જો કોઇ ટૂથપેસ્ટમાં જંતુનાશક દવાઓ ઉમેરવામાં આવી હોય તો તે બેક્ટેરિયાને મારવા ઉપરાંત આપણા શરીરને પણ નુકસાન કરે છે.
મલ્ટિનેશનલ કંપનીઓ, તેમના એજન્ટ જેવા ડેન્ટિસ્ટો અને માર્કેટિંગના નિષ્ણાતો ભેગા મળીને કોઇ બોગસ અને હાનિકારક પદાર્થને ક્યાં સુધી આપણા ઘરમાં અને જીવનમાં ઘૂસાડી શકે છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ટૂથપેસ્ટ છે. આપણા દેશના બુદ્ધિજીવીઓ, વિજ્ઞાનીઓ, વિદ્વાનો અને ઇન્ટેલિજન્ટ કહેવાતા લોકો પણ આજે વગર વિચાર્યે ટૂથપેસ્ટ અને બ્રશ વાપરી રહ્યા છે. આજે મોટાં શહેરોમાં તો ટૂથપેસ્ટનો પ્રચાર એટલી હદે વધી ગયો છે કે દાતણનાં દર્શન પણ દુર્લભ બની ગયાં છે. ગામડાના લોકોના ઘરઆંગણે લીમડાનું ઝાડ હોય તો પણ તેમને દાંતે ફીણવાળી ટૂથપેસ્ટ ઘસતા જોઇને મલ્ટિનેશનલ કંપનીઓની માયાજાળ કેટલી વ્યાપક હોય છે, તેનો ખ્યાલ આવે છે. કમ સે કમ જેઓ પોતાની જાતને બુદ્ધિશાળી ગણતા હોય તેમણે તો આ લેખમાં આપેલી હકીકતોની સ્વતંત્ર રીતે ચકાસણી કરવી જોઇએ અને પછી પોતાના દાંતના આરોગ્ય માટે જે વિકલ્પ શ્રેષ્ઠ જણાય તે અપનાવી લેવો જોઇએ. (Courtesy : Mumbai Samachar)

કલકતા ના શીલાબેન ઘોષ ૮૭ વર્ષની ઉમરે પણ મહેનત કરી સન્માનભેર જીવે છે

Sheela Ghosh - Kokata
Sheela Ghosh – kolkata
નવી દિલ્હી : ભારતમાં મંદિર, રેલ્વે સ્ટેશન, ટ્રાફિક સિગ્નલ પર ઘણી મહિલાઓ અને પુરુષો સામાન્ય રીતે ભીખ માંગતા જોવા મળે છે. ઘણા લોકો સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં પણ ભીખ માંગતા હોય છે જેમને જોઇને લોકો વિચારે છે કે આ લોકો કામ કેમ નથી કરતા..??  જો કે તેનાથી વિપરીત કલકતા ના ૮૭ વર્ષિય મહિલા શીલાબેન ઘોષ ઘણા લોકો માટે આદર્શ બની રહયા છે. શીલાબેન ઘોષ કોલકાતાની એક જાણીતી કંપનીના આઉટલેટ્સની બહાર ચિપ્સ વેચતા જોવા મળે છે. ૮૭ વર્ષિય આ મહિલાને સુપરવુમનનું ઉપનામ આપવામાં આવે તો નવાઇ નહીં મુશ્કેલીને કારણે હાર માનતા લોકો માટે શીલાબેન આદર્શ અને ઉત્તમ નમૂનો છે. કેન્સરને કારણે પોતાના પુત્રને ગુમાવ્યા બાદ આ મહિલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરી ભીખ માંગવાને બદલે પોતાની જાતે જ મહેનત કરી સન્માન ભેર જીવન જીવી રહી છે. સામાન્ય રીતે આ વયના લોકોને ઘણી બિમારીઓ હોય છે અને તેઓ ઘરની બહાર પગ પણ મૂકી શકતા નથી. જો કે શીલાબેન સાથે આવું નથી અને તે છેલ્લા પાંચ વર્ષથી આ જ રીતે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. આપણને બધાને આ વાત ઉપર થી ઘણું શીખવા અને સમજવા મળે છે

રાજકોટમાં માનસિક અસ્થિર દર્દીઓની કાયાપલટ માટે અનોખી સેવા થાય છે

Mental Person Help
Mental Person Help
રાજકોટમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ થતી હોય છે પરંતુ માનસિક બિમાર દર્દીઓની કાયાપલટ કરવા માટે અહી જે સેવાયજ્ઞા ચાલતો રહ્યો છે જે આ તમામ સેવા પ્રવૃતિઓમાં મુઠ્ઠી ઉંચેરુ સ્થાન ધરાવે છે. રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં માનસિક અસ્થિર દર્દીઓ નિરાધાર અવસ્થામાં પડયા હોય છે કોઈ મંદિરે તો કોઈ એસ.ટી. ડેપો કે રેલ્વે સ્ટેશનમાં જાહેર માર્ગો ઉપર મેલા ઘેલા કપડા પહેરી રસ્તે રઝળતા આ માનસિક અસ્થિર દર્દીઓની કાયાપલટ માટે રાજકોટના રાજેન્દ્રભાઈ શાહે હરતી ફરતી રીક્ષા શરૃ કરાવી છે. ‘ગાંડાની મોજ’ ના નામે શહેરમાં ફરતી આ રીક્ષા જુદા જુદા વિસ્તારમાં જઈને માનસિક અસ્થિર દર્દીઓએ શોધી તેઓને દાઢી બાલ કાપી હજામત કરી ભરપેટ ભોજન જમાડી નવા કપડા પહેરાવવામાં આવે છે. આ સેવાના સુત્રધાર એવા હસમુખભાઈ શાહ કહે છે કે સમાજમાં માનસિક અસ્થિર દર્દીઓ હંમેશા તિરસ્કૃત થતા હોય છે. આ નિરાધાર પાગલને મદદરૃપ થવા અનોખો સેવાયજ્ઞ શરૃ કરવામાં આવ્યો છે. શહેરનાં કોઈપણ ખુણે આ પ્રકારનાં માનસિક દર્દીઓ જોવા મળે તો ફોન નં. ૦૨૮૧ – ૨૪૩૧૭૭૬ ઉપર સંપર્ક કરજો જેથી તેની સેવા માટે રીક્ષા ઝડપભેર પહોંચી શકે.

મોબાઈલનો સમજદારી અને વિવેકથી ઉપયોગ કરવો આપણા ફાયદામાં જ છે

લેખન – સંકલન  : અતુલ એન. ચોટાઈ – રાજકોટ
મોબાઈલ.. આ ચાર અક્ષરનો શબ્દ આજે ભારતના દરેક નાગરિકની લોકજીભ ઉપર જોવા મળે છે. કોમ્યુનીકેશન ક્ષેત્રે આવેલી જબરજસ્ત ક્રાંતિનો લાભ આપણે મેળવીએ છીએ આપણને કદાચ એ દિવસો જરૂર યાદ હશે..!!  જ્યારે આપણે આપણા સગા – સંબધીઓનો એક અવાજ સાભળવા માટે ટ્રન્કકોલ કરતા અને કલાકો સુધી રાહ જોતા અને આજે ફક્ત બટન દબાવતા જ આપણે દુનિયા ના કોઈપણ ખૂણેથી ગમે તેનો સંપર્ક કરી શકીએ છીએ છે ને અદભુત વાત..!!
મોબાઈલથી વાતચીત સિવાયના ઘણા ઉપયોગી કામો કરી શકાય છે પણ આપણે સાચી સમજણના અભાવે બિનઉપયોગી કામ વધારે કરી રહ્યા છીએ જેથી આ બધી વસ્તુના મનફાવે તેવા અતિરેકથી ઘણીવાર બીજા લોકોને પણ માનસિક ત્રાસ પહોચે છે જે આપણે સમજી શકતા નથી કે કદાચ સમજવા માંગતા નથી.. આજે મોબાઈલનો જરૂર પુરતો ઉપયોગ જ કરવાનો હોય તેની બદલે આપણે આપણી ઈચ્છા મુજબ મનફાવે તેમ દુરપયોગ ચાલુ કરીએ છીએ મોંધવારીનાં આ જમાનામાં મોબાઈલમાં વાત કરવી સસ્તી થઇ ગઈ છે અને એટલો જ બીજા લોકો માટે ત્રાસ પણ વધ્યો છે મોબાઈલનાં ટાવરોનાં વ્યાપને લીધે આપણી ઘરે આપણા સ્વજનો સમાં પંખીઓ આવતા બંધ થઇ ગયા છે. પર્યાવરણને પણ ગંભીર નુકશાન પહોચી રહ્યું છે જે લીમડાની મીઠી ડાળની છાંયડી આપણને મળતી તેની જગ્યાએ આપણને હવે મોબાઈલનાં તરંગો મળે છે.
મોબાઈલ ના ઉપયોગની જ્યાં વાત છે ત્યાં આજે સામાન્ય વાતચીતમાં પણ લોકો જોરજોર થી બરાડા પાડીને પોતાના બાપુજીનું  ઘર હોય તેમ વર્તન કરતા જાહેરમાં જોવા મળે છે આ ઉપરાંત ટ્રેનમાં, બસમાં, સ્કુલો, હોસ્પિટલો જેવી જાહેર જગ્યાઓ ઉપર પણ લોકો આ પ્રકારે કોઈપણ જાતની શરમ વગર પોતાનું  વર્તન ચાલુ રાખીને બીજાને નડતરરૂપ થતા જોવા મળે છે ચાલુ વાહને મોબાઈલ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાડી વાતો કરવાથી કે મ્યુઝીક સાંભળવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે છતાં પણ આપણે સુધરવા માંગતા નથી ગમે તે જગ્યાએ જરાક પણ આપણો મોબાઈલ નવરો થયો એટલે મ્યુઝીક, ગીતો કે ગેમો ચાલુ કરી દઈએ છીએ આપણા મોબાઈલ થી થતો ઘોંઘાટ કે આપણું વર્તન બીજાને ગમતું હોય કે ન ગમતું હોય તો પણ આપણે બીજાની તકલીફ વિષે જરાપણ વીચાર કર્યા વગર બેશરમ બનીને આપણી હરકતો ચાલુ રાખીએ છીએ.. મોબાઈલનાં ઉપયોગમાં ઘણીવાર આપણે કોઈને મિસકોલ મારીએ છીએ ત્યારે બીજાના પૈસે આપણા કામની મફત વાત કરવાની આપણી મનોવૃત્તિ અહિયાં છતી થઈ જાય છે અથવા તો કોઈનો મોબાઈલ નંબર મળ્યે તરત જ આપણા ધંધાનું માર્કેટિંગ કે એસ.એમ.એસ. ચાલુ કરી દઈએ છીએ ઘણીવાર સમય અને સ્થળ જોવા વગર પણ આપણે ફ્રી છીએ એટલે સામેવાળા પણ ફ્રી હશે તેવું માની ગમે ત્યારે ફોન કરીએ છીએ આવું કરવાથી આપણી અક્કલ અને  સંસ્કારોનું જાહેરમાં પ્રદર્શન કરીએ છીએ જે ખેદજનક બાબત ગણાય…
આજે ભારતમાં જેટલા શૌચાલય નથી એટલા મોબાઈલ છે પણ મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા આપણામાં નથી જે બાબત ને આપણે સ્વીકારવી જોઈએ અને મોબાઈલ વાપરવાની રીતભાત અને સભ્યતા કેળવવી પણ જોઈએ કેમ કે આની માટેના કાયદામાં પણ નિયમો તો છે જ.. પણ નિયમનું કડક પાલન થાય કે આપણને નુકશાન થાય ત્યારે સુધરવું તે પહેલા જ આપણે મોબાઈલ નો સંયમિત અને વિવેકપૂવર્ક ઉપયોગ કરી આપણને અને ખાસ કરીને બીજાને તકલીફ ન પહોચે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ..!! આપણી મુઠ્ઠીમાં ફોન શોભે પણ ફોનની મુઠ્ઠીમાં આખી માનવજાત હોય તે થોડુક હાસ્યાસ્પદ દ્રશ્ય ગણાય ફોન માણસે વાપરવાનો હોય છે પણ અત્યારે સ્થિતિ એવી રહી છે કે ફોન માણસને વાપરવા લાગ્યો છે. અહિયાં સવાલ એ છે કે ફોન સ્માર્ટ બન્યા પણ માણસ..??  ખેર, વિવેકપૂર્ણ ઉપયોગ એ વ્યકિતગત બાબત છે મોબાઇલ ફોન સિવાયની પણ મોટી સરસ મજાની દુનિયા છે એ આપણે ભૂલવું ન જોઇએ…
www.ashokhndocha.blogspot.com M-94262 54999 hndochaashok@gmal.com

No comments: