રાજકોટ લોકમેળાનો પ્રારંભ
રાજકોટમાં મારો રંગીલો મેળો - ૨૦૧૬નો પ્રારંભ
લોકમેળો આનંદ-પ્રમોદ સાથે સ્વચ્છતાના સંદેશનું
માધ્યમ બની રહેશે -મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વમાં પ્રતિવર્ષ પરંપરાગત રીતે યોજાતા મેળાનો પ્રારંભ થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ સ્માર્ટ વિલેજની થીમ આધારિત મારો રંગીલો મેળો - ૨૦૧૬ નું ઉદ્દઘાટન કર્યું હતું. આ લોકમેળો આનંદ-પ્રમોદ સાથે સ્વચ્છતાના સંદેશનું માધ્યમ બની રહેશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. શ્રી રાદડિયાએ વધુમાં જણાવ્યું કે રાજકોટના લોકમેળાની આવકમાંથી ૨૫ ટકા રકમ મુખ્યમંત્રીશ્રીની રાહત નિધિમાં આપવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં વિકાસ કામો પણ કરવામાં આવે છે. મંત્રીશ્રીએ મુલાકાતીઓને અપીલ કરતા કહ્યું કે મેળોમાં ગંદકી ન ફેલાય તેની તકેદારી સૌ કોઇએ લેવી પડશે. કચરો જ્યાં ત્યાં ફેંકવાને બદલે કચરા પેટીમાં નાખવો જોઇએ. તો જ સ્વચ્છતા રાખી શકાશે.
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી તથા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ વખતના લોકો મેળામાં ૩૪૬ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તે પૈકી ૪૬ યાંત્રિક સ્ટોલ છે અને કૂલ ૧.૫૮ કરોડની આવક થઇ છે, તેવી વિગત કલેક્ટર અને લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું. રાંધણ છઠ એટલે તા. ૨૩થી શરૂ થયેલો મેળો છ દિવસ સુધી ચાલશે. આ મેળાના મુલકાતીઓને કોઇ અવગડતા ન પડે તેવી સઘન વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.
આ ઉદ્દઘાટન પ્રસંગે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવ, સ્થાયી સમિતિન ચેરમેન શ્રી પુષ્કરભાઇ પટેલ, પદાધિકારીઓ સર્વ શ્રી અશ્વિનભાઇ મોલિયા, મનિષભાઇ રાડિયા, જયમીનભાઇ ઠાકર, મુકેશભાઇ રાદડિયા, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. એન. વાઘેલા, નાયબ કલેક્ટર શ્રી પી. એમ. ડોબરિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. (માહિતી બ્યુરો - રાજકોટ)
www.ashokhindocha.blogspot.com M-94262 54999
: