Tuesday, December 1, 2015

વૉટ્સઍપ વાપરવાની ૧૦ તહઝીબ સૌરભ શાહ-inf.by Ashok Hndocha

વૉટ્સઍપ વાપરવાની ૧૦ તહઝીબ
સૌરભ શાહ
કેટલાક વાચકોની ફરમાઈશ છે કે ફેસબુક વાપરવાની ૧૦ તહઝીબ જેવો લેખ વૉટ્સઍપ વિશે પણ લખવો જોઈએ. વૉટ્સઍપની તહઝીબ વિશે બે-પાંચ મુદ્દાઓ ઑલરેડી લખી ચૂક્યો છું. એમાં ઉમેરો કરીને દસ મુદ્દા અહીં આપી રહ્યો છું.
૧. વૉટ્સઍપ પર ગ્રુપ શરૂ કરીને ઍડમિન બનવાની હોંશ હોય એ સ્વાભાવિક છે. પણ ગ્રુપ શરૂ કરતાં પહેલાં, જેમને તમે એ ગ્રુપમાં સામેલ કરવા માગો છો એમને પર્સનલી મેસૅજ કરીને આટલી વાતો જણાવી દેવી જોઈએ: ૧. આ ગ્રુપની સેન્ટ્રલ થીમ શું છે. રાજકારણ ડિસ્કસ કરવું છે, સાહિત્યની ચર્ચા કરવી છે, ફૅશનના ટ્રેન્ડ્સ વિશે આપલે કરવી છે, એડલ્ટ્સ જોક્સ શૅર કરવા છે વગેરે. ૨. આ ગ્રુપમાં તમે બીજા કોને કોને ઈન્વાઈટ કરવા ધારો છો અને ૩. સૌથી અગત્યનો મુદ્દો એ કે આ ગ્રુપમાં તમને સામેલ કરું કે નહીં. જો હા, આવે તો એડ કરો ને કોઈ જવાબ ન મળે તો માની લેવાનું કે રસ નથી, રહેવા દો. વચ્ચે એક વાચકે ગ્રુપ ફૉર્મ કરીને મારો નંબર ગ્રુપમાં ઍડ કરી દીધો. હું એમાં કોઈને ઓળખું નહીં, કોઈ મને ઓળખે નહીં - આવા ગ્રુપમાં રહીને મારે શું કરવું? હું એમાંથી વિથ્ડ્રો થઈ ગયો. પેલા ઍડમિનભાઈને માઠું લાગી ગયું: તમે આમાંથી નીકળી ગયા? એવું જ સાહિત્યને લગતા એક ગ્રુપની બાબતમાં બન્યું. ગ્રુપમાં મને ઍડ કરવામાં આવ્યો છે એવી જાણ થઈ અને ચોવીસ કલાકમાં જ મેં જોયું કે ધડાધડ કેટલીય જાણીતી હસ્તીઓ એમાંથી વિથ્ડ્રો થઈ ગઈ. હાલાંકિ હું હજુ એ ગ્રુપમાં છું જ અને ક્યારેક ક્યારેક મને એમાંથી મારા ઉપયોગની કે રસની વસ્તુઓ મળી જાય છે.

૨. વૉટ્સઍપના ગ્રુપમાં જે હેતુથી ગ્રુપ રચવામાં આવ્યું હોય એ હેતુ સિવાયના મેસૅજનાખવાની લાલચ જતી કરવી.

૩. ચોક્કસ હેતુથી શરૂ થયેલા ગ્રુપમાં ક્યારેય પર્સનલ મેસૅજ ન મુકાય. એટલે કે કોઈ મેમ્બરે મૂકેલા મેસૅજ વિશે વ્યક્તિગત કમેન્ટ જરૂર કરાય, એ જ તો હેતુ હોય છે ગ્રુપને રચવાનો પણ બે મેમ્બર્સ આપસમાં ગ્રુપના ફોરમ હેઠળ વાત કરે કે આજે ભાભીએ જમવામાં શું બનાવ્યું છે એવા સંદેશાની આપલે ન થાય, સિવાય કે ભાભી બધા જ ગ્રુપ મેમ્બર્સને (ઍડમિન સહિત) ડિનર માટે ઈન્વાઈટ કરવાનાં હોય. ગ્રુપ મેમ્બર્સમાંથી કોઈની ‘હેપી બર્થડે’ હોય કે કોઈને કોઈ બાબતે સન્માન - બન્માન મળ્યું હોય ત્યારે? એ અપવાદ છે. એવા સમયે સ્વાભાવિક રીતે ખુશી-આનંદ વ્યક્ત કરતા ઈમોજીસ અને સ્માઈલીઝની આપલે થાય જ.

૪. ગ્રુપમાં રોજ સવારે ભગવાનના ફોટા ફૉરવર્ડ કરીને સુપ્રભાતમ્ કહેતા બે હાથ જોડેલા ફોટાઓ નાખવાની જરૂર નથી હોતી. શિવરાત્રિ કે રામનવમી કે ગુડ ફ્રાઈડે કે ઈદ જેવા તહેવારોમાં પણ આવા સંદેશાઓ ન હોય તે જ સારું. શુભેચ્છાના સામૂહિક સંદેશાઓ વૉટ્સઍપનું જ નહીં, સમગ્ર સોશ્યલ મીડિયાનું ઘણું મોટું ન્યુસન્સ છે. વર્ષમાં એકવાર સાલ મુબારકના સંદેશાઓ તો હું પણ નાખતો હોઉં છું અને બધાની જેમ મને પણ એવા સંદેશાઓ મળતા હોય છે. પણ સાચું કહેજો, આટલાં વર્ષોમાં આવા હજારો સંદેશાઓ મળ્યા છતાં એ સંદેશાઓને કારણે તમારી જિંદગીમાં વળી કઈ ખુશીઓની લહેર ફેલાઈ ગઈ. અને ફૉર ધૅટ મેટર તમારી શુભેચ્છાઓથી વળી કોના જીવનમાં સોનાના સૂરજો ઊગી ગયા. ફૉર્માલિટી ખાતર ઠીક છે આ બધું. પણ ઘણા બધાની આવી ફૉર્માલિટીઓ ભેગી થઈ જાય ત્યારે ન્યુસન્સ ઊભું થતું હોય છે.

૫. ગ્રુપમાં કે બ્રોડકાસ્ટ મેસૅજમાં કે પછી વ્યક્તિગત સંદેશારૂપે તમે વૉટ્સઍપનો ઉપયોગ તમારી પ્રવૃત્તિનો પ્રચાર કરવા માટે વરસે એકાદબે વાર કરો ત્યાં સુધી ઠીક છે પણ દર બીજે દહાડે તમે ક્યાં પ્રવચન કરવાના છો કે ક્યાં કવિતા વાંચવા જવાના છો કે તમારી પ્રોડક્ટનું સેલ અત્યારે ક્યાં ચાલી રહ્યું છે કે તમારી કંપનીએ કઈ નવી નવી સ્કીમ્સ શરૂ કરી છે કે માર્કેટમાં અત્યારે કયા ભાવે કેટલા ફલૅટ્સ અવેલેબલ છે એવા સંદેશા નાખવાની જરૂર નથી. જો તમારે તમારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરવો જ હોય તો સામેની પાર્ટીને પૂછી લેવું કે તમને હું નિયમિતરૂપે આવી જાણકારી આપતો રહું તો ગમે? એ જ રીતે પત્રકારમિત્ર ભરત ઘેલાણી પણ મને પૂછ્યા બાદ નિયમિતરૂપે પ્રમોશનલ મેસૅજ મોકલે છે જે મને ગમે છે. પણ અગાઉથી પૂછયા વિના ધડાધડ પોતાની પ્રવૃત્તિઓની જાણ કરતા બેત્રણ કવિઓને તેમ જ બીજાઓને મેં પોલાઈટલી બ્લૉક કરી દીધા છે.

વૉટ્સઍપ જેવાં સોશ્યલ માધ્યમો ઉપયોગી છે અને હવે તો અનિવાર્ય બની ગયાં છે. કમ્યુનિકેશનની કેટલી બધી સગવડો આને કારણે સર્જાઈ છે. પણ જેમ સેલફોનની બાબતમાં તહઝીબ આવતાં વાર લાગી એમ વૉટ્સઍપની મેનર્સ શીખતાં પણ થોડો સમય થશે. બાકીના પાંચ મુદ્દા આવતી કાલે.

વૉટ્સઍપ પરના ગ્રુપ ઉપરાંત વ્યક્તિગત મેસૅજીસની બાબતમાં પણ જરાક ડિસિપ્લિન રાખવાની. જેમ તમારા ફોનમાં કામના-નકામા સેંકડો નંબર હોય એમ બીજાઓના ફોનમાં પણ તમારું કામ હોય કે ન હોય - એમણે તમારો નંબર સેવ કર્યો હોય એવું બને. ફોનમાં તમારા કરિયાણાવાળાના ડિલિવરી બૉયથી માંડીને ઈલેક્ટ્રિશ્યન, મિસ્ત્રી, ગૅસવાળા, કૅમિસ્ટ વગેરે કેટલાય નંબર હોવાના. તમારે શું કાળજી રાખવાની? 
૬. સાલ મુબારક જેવા બ્રોડકાસ્ટ મેસૅજ બધાને જ મોકલવાની જરૂર નથી. તમને ગમી ગયેલાં જોક્સ, સુવાકયો કે ક્વિઝ બધાને જ ગમશે એ જરૂરી નથી. વૉટ્સઍપ પર કોઈની પણ સાથે સંદેશાની આપલે કરતાં સામેની વ્યક્તિને પૂછી લેવું કે હું તમને વૉટ્સઍપ કરું તો ચાલે? સિવાય કે કોઈએ તમને સામેથી કહ્યું કે મને વૉટ્સઍપ પર સંદેશા મોકલજો અથવા તો કોઈને તમે ઑલરેડી સારી રીતે ઓળખતા હો. આવા અપવાદ સિવાય કોઈની ઘરે જતી વખતે જેમ ડોરબેલ વગાડીએ છીએ એ રીતે પહેલો સંદેશો પરવાનગી લેવા માટેનો નાખવો અને પરવાનગી મળે એટલે એવું માની લેવું નહીં કે હવે આ નંબર પર પણ જોક્સ - શાયરી - ક્વોટ્સ વગેરેના ફોરવર્ડ્સ મોકલતા કરવાના. નવી નવી ઓળખાણ થઈ હોય એવી વ્યક્તિઓ મારી સાથે વૉટ્સઍપ પર જોડાય છે ત્યારે પહેલા જ સંદેશામાં હું નમ્રતાથી એમને જણાવી દઉં છું કે માત્ર અરજન્ટ, ઈમ્પોર્ટન્ટ અને પર્સનલ હોય તો જ સંદેશો મોકલવો. અને કયારેક કોઈ ઉત્સાહમાં આવીને આ સૂચનાનું વારંવાર ઉલ્લંઘન કરવા જાય ત્યારે એક જ ઉપાય બાકી બચે છે: બ્લૉક.

૭. સેલ્ફી આપણી પોતાની મઝા માટે છે. બીજાઓની સાથે લીધેલા સેલ્ફીઝ ફોટામાં જેટલા લોકો દેખાતા હોય એમની સાથે શૅર કરવાના હોય. આપણે બહારગામ કે વિદેશ ફરવા ગયા હોઈએ કે પછી કોઈ સારી કૉફી શૉપમાં કે સારી રેસ્ટોરાંમાં ડિનર પર ગયા હોઈએ કે કોઈના લગ્નમાં, કોઈની બર્થડે પાર્ટીમાં કે કોઈપણ શુભ પ્રસંગની ઉજવણીમાં ગયા હોઈએ ત્યારે ત્યાં પાડેલા ફોટા બહુ જ લિમિટેડ લોકો સાથે શૅર થાય, જેની ને તેની સાથે શૅર કરીને આપણા સેલ્ફ ઑબ્સેસ્ડ, નાર્સિસ્ટિક સ્વભાવને ખુલ્લો પાડવાની કોઈ જરૂર નથી હોતી. ફેસબુક પરનું આ દૂષણ હવે વૉટ્સઍપ પર પણ શરૂ થઈ ગયું છે. ફેસબુક પર તો હજાર, બે-પાંચ હજાર ‘ફ્રેન્ડ્ઝ’ સાથે લોકો પોતાના આવા વૅકેશન પિક્ચર્સ શૅર કરતા થઈ ગયા છે. કયારેક કોઈ વખત ઠીક છે. પણ વારંવાર અને ખૂબ બધા ફોટા શૅર કરીએ છીએ ત્યારે આપણે કેટલા અટેન્શન સીકિંગ પર્સન છીએ, ‘મને જુઓ - મને જુઓ’ની વૃત્તિવાળા છીએ એ જ મનોદશા પ્રગટ થાય છે. તમે કંઈ દીપિકા કે અમિતાભ નથી કે તમારી નજીકની પાંચ-પંદર વ્યક્તિ ઉપરાંતના તમારા સેંકડો - હજારો એફ.બી. ફ્રેન્ડઝને તમારી પ્રાઈવેટ મોમેન્ટ્સમાં રસ હોય.

૮. વૉટ્સઍપ પર કોઈને પણ ખૂબ અર્જન્ટ મેસૅજ મૂકતાં પહેલાં તમને જાણ હોવી જોઈએ કે એ વ્યક્તિ નોટિફિકેશનનો સાઉન્ડ ઑન રાખે છે કે મ્યુટ. તમે એમને લખો કે આજે આપણે કલાક પછી મળવાના હતા પણ મળી નહીં શકીએ અને બે કલાક પછી એમનો ફોન આવે કે કેમ મળવા આવ્યા નહીં અને તમે કહો કે મેં તો તમને વૉટ્સઍપ કરેલું તે એ કહે કે મેં તો જોયું જ નથી તો તમે ને એ બંને ભોંઠા પડો. જનરલી એસ.એમ.એસ.ના નોટિફિકેશનનો સાઉન્ડ લોકો મ્યુટ રાખતા નથી અન્લેસ કોઈ મીટિંગમાં કે થિયેટર - કાર્યક્રમ વગેરેમાં હોય. પણ વૉટ્સઍપના એલર્ટનો સાઉન્ડ ઘણા બધા લોકો બંધ રાખતા થઈ ગયા છે જેથી વારંવાર ઘંટડી ન વાગે ને તમે જોક્સ - શાયરી જેવા મેસૅજીસને લઈને ડિસ્ટર્બ ન થાઓ. હું વૉટ્સઍપના નોટિફિકેશનનો સાઉન્ડ તેમ જ લાઈટ સિગ્નલ બેઉ ઓફ જ રાખું છું અને મિત્રો - કુટુંબીઓને આ ખબર છે એટલે અરજન્ટ અટેન્શન જરૂરી હોય એવા સંદેશાઓ મને એસ.એમ.એસ. પર જ મળે છે.

૯. લાસ્ટ સીન ભલે તમે કાઢી નાખ્યું હોય પણ એનો મતલબ એ નથી કે તમે કલાકો સુધી ઓનલાઈન થવાનું બંધ કરી દીધું છે એવું લોકો માનતા થઈ જશે. ફેસબુક અને હવે વૉટ્સઍપ આવ્યા પછી લોકો નોકરી કરતાં કરતાં, ડ્રાઈવિંગ કરતાં, બીજાઓની સાથે વાતો કરતાં કે પછી રાત્રે ઊંઘમાંથી ઊઠીને પણ ફોન હાથમાં લઈને મંડી પડે છે. લાઈફ તમારી છે એટલે તમારા સમયનું તમારે શું કરવું ને શું નહીં એ એન્ટાયર્લી તમારી પોતાની મરજી છે. પણ કોઈની સાથે તમારી મીટિંગ ચાલતી હોય કે પછી દોસ્તારો સાથે ગપ્પાં મારતા હો ત્યારે વારેઘડીએ ફોન ચેક કરીને વૉટ્સઍપ પર જવાબ આપવા કે ફૉરવર્ડ્ઝ કરવા બેસી જવું એ સૌથી ખરાબ રીતભાત છે. આવા મૅનરલેસ લોકો તમારી હાજરીની અવગણના કરે છે. એમને તમારી રૂબરૂ મુલાકાત કરતાં બીજાઓ સાથે ઑનલાઈન રહેવામાં વધારે રસ હોય તો ભલે, તમારે નેક્સ્ટ ટાઈમ આવા લોકોને પર્સનલી મળવાને બદલે એમની સાથેનું કામકાજ ઑનલાઈન જ પતાવી દેવાનું. મેં માર્ક કર્યું છે કે જે લોકો ખરેખર બહુ બિઝી હોય છે તેઓ તમારી સાથે બેઠા હોય ત્યારે કયારેય પોતાનો ફોન ચેક નથી કરતા અને કોઈ વખત બહુ જ અર્જન્ટ સંદેશો આવવાનો હોય તો એક્સકયુઝ મી કહીને દસ સેકંડમાં પોતાનું કામ પતાવીને તમારી સાથેની વાતચીતનો દોર સાંધી લેતા હોય છે. મીટિંગ, પાર્ટીમાં કે પછી રેસ્ટોરાં, બારમાં તમારી હાજરીની અવગણના કરીને સતત પોતાના ફોન પર ચોંટી રહેતા લોકો કાં તો ઈન્સિક્યોર્ડ હોવાના કાં પછી એમને તમારી કંપનીની કોઈ કદર નથી, તમારા ટાઈમની કોઈ વેલ્યુ નથી. સૌથી નવરા લોકો જ સૌથી વધારે સમય પોતાના ફોન સાથે ગાળતા હોય છે એવું મારું નિરીક્ષણ છે.
 ૧૦. છેલ્લી વાત. ફેસબુક પર વારંવાર પોતાના પ્રોફાઈલ પિક્ચર્સ બદલવાની ટેવવાળા ઘણા જોયા. હવે વૉટ્સઍપ પર પણ દરરોજ કે દર અઠવાડિયે પોતાની ડીપી બદલવાની ટેવ ધરાવનારા તમે જોયા હશે. આવા લોકો માટે વૉટ્સઍપ પર જ વાંચેલું આ થપ્પડવાકય ક્વોટ કરું છું: અરે યાર, તમારું ડીપી છે, કંઈ અંડરવેર નથી કે રોજ રોજ બદલવાની જરૂર પડે.
મેં તો ખાલી સાંભળ્યું, બાકી સાચુંખોટું ભગવાન જાણે
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
( ' મુંબઈ સમાચાર ’ : સોમવાર, 6 એપ્રિલ 2015)
બે દિવસ પહેલાં વૉટ્સઍપ પર કોઈએ એક ફૉરવર્ડેડ મેસેજ પાસ કર્યો: ‘સંજુ ઝવેરી. જીજે-૧૧-એચ. ૪૩૬૬. બજાજ પલ્સર. આ ભાઈનો બોરસદ ચોકડી પાસે એક્સિડન્ટ થયેલ છે. એમના કોઈ રિલેટિવની ડિટેલ મળતી નથી. સ્ટર્લિંગ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. માથામાં વાગ્યું છે. હેમરેજની શક્યતા છે. પ્લીઝ પાસ ઑન ધિસ મેસૅજ. ઈટ્સ અર્જન્ટ. સમવન નીડ્સ હેલ્પ. મેસૅજ ગ્રુપમાં ફૉરવર્ડ કરશો તો કોઈનો જીવ બચશે.’
આ મેસૅજ આવ્યાના પોણો કલાકમાં જ ઈન્ટરનેટ એક્સપર્ટ વિનય ખત્રીએ ખાંખાંખોળા કરીને એક સ્ક્રીન શૉટ મોકલ્યો જે ૧૫ ડિસેમ્બર ૨૦૧૪નો હતો. સેમ મેસૅજ. સાડા ત્રણ મહિના જૂનો અને ટકોર કરી કે ‘ભાવના સારી છે પણ આવી રીતે આટલા મહિના પછી આવા મેસૅજ ફૉરવર્ડ કરવાનો શું અર્થ?’
વૉટ્સઍપ પર આવતા આવા કે આ ટાઈપના બીજા સંદેશાઓને ઊંધું ઘાલીને ફૉરવર્ડ કરી દેવાની આપણને ટેવ પડી ગઈ છે. વૉટ્સઍપ તો આજકાલનું બચ્યું છે, ટેવ ઘણી જૂની છે. રાજકારણથી માંડીને શેરબજાર કે પછી આસપાસના કુટુંબ-સમાજ-જ્ઞાતિના લોકો પાસેથી જે કંઈ સાંભળ્યું તેની ચકાસણી કર્યા વિના બને એટલી જલદી એ માહિતી બીજાઓ સુધી પહોંચાડી દેવા આપણે આતુર હોઈએ છીએ. કોઈ પ્રશ્ર્ન કરે તો કહીશું: ભઈ, મેં તો સાંભળ્યું છે, સાચું-ખોટું ભગવાન જાણે. જો સાચું-ખોટું ભગવાન જ જાણતા હોય તો શું તમે ભગવાનના એજન્ટ બનીને આવી વાતો ફેલાવવામાં મદદ કરો છો? ઘણાને આમાં સેવાભાવી વૃત્તિ લાગે છે. મને દોઢ ડહાપણ લાગે છે. બોરસદ ચોકડીવાળો મેસૅજ ઈવન જે દિવસે એ ઘટના બની તે જ દિવસે, તે જ ઘડીએ વાઈરલ કરવામાં આવ્યો હોય તો પણ કેટલો કામનો? જેનો અકસ્માત થયો છે એ વ્યક્તિના સગાંવહાલાં સુધી એ મેસૅજ પહોંચે એવી શક્યતા કેટલી? એક ટકા જેટલી પણ નહીં. એ ભાઈના ખિસ્સામાં કદાચ મોબાઈલ કે બીજા પહેચાનપત્રો ન હોય તો પણ પોલીસ ઘડીના છઠ્ઠા ભાગમાં બાઈકના રજિસ્ટ્રેશન નંબર પરથી એના ઘરનું સરનામું મેળવી જ શકવાની છે અને ઘરનો સંપર્ક ન થયો તો પણ જ્યારે એને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે ત્યારે એને બચાવી લેવાનું કાર્ય ડૉક્ટરોના હાથમાં હોવાનું, નહીં કે કોઈ ઓળખીતા પાળખીતાના હાથમાં.
અને ચાન્સીસ એવા પણ ખરા કે કોઈએ માત્ર પ્રૅન્ક કરવા, મસ્તી કરવા કે પછી હેરાન કરવા કે બદલો લેવા એ ભાઈ અને એમની બાઈકનો નંબર વૉટ્સઍપ પર ફરતો મૂકીને પોતાની વિકૃતિ સંતોષી હોય. (આ કિસ્સામાં એવું જ છે એમ કહેવાનો આશય નથી પણ એવું થઈ શકે છે, એવું થતું હોય છે)
ઘણી વખત ગુમશુદા યુવાન છોકરી કે વ્યક્તિની ભાળ તમને મળે તો નીચેના નંબર પર તાત્કાલિક જાણ કરવી એવા ફૉરવર્ડ્ઝ વૉટ્સઍપ વગેરે પર ફરતા હોય છે. આવા સંદેશા જો તમને મળે અને તમે ‘સેવાભાવી’ મોડમાં આવીને ફૉરવર્ડ કરી નાખો તો કોઈ ડેન્જરસ યોજનાનો હિસ્સો બની જવાની શક્યતા છે. ગુમશુદા વ્યક્તિ વિશેના પોસ્ટર્સ, જાહેરખબર ઈત્યાદિ આપણે જોયાં છે. વાસ્તવમાં પોલીસે એના પર પણ અમુક શરતો રાખવી જોઈએ કે આવી કોઈ પણ જાહેરાત સાથે કયા પોલીસ સ્ટેશનમાં કયા નંબરની ફરિયાદ રજિસ્ટર કરવામાં આવી છે તેની નોંધ લખવી કમ્પલસરી હોવું જોઈએ. શક્ય છે કે વૉટ્સઍપ વગેરે પર ફરતા એવા સંદેશા બનાવટી હોય. કોઈએ પોતાના ધંધાદારી હરીફ કે પછી ભૂતપૂર્વ પ્રેમી/પ્રેમિકા કે પછી જેની સાથે સંબંધ બગડ્યા હોય એવા સંબંધી કે પછી જેની પાસેથી નાણાં લેવાનાં બાકી હોય એવી વ્યક્તિની તસવીર મેળવીને એમને હેરાન કરવા આવા સંદેશાઓ સર્જ્યા હોય. તમે તો ચેક કરવા ગયા નથી. જેમણે તમને એવો સંદેશો મોકલ્યો છે એણે પણ જાંચતપાસ કરી નથી.
ગયા અઠવાડિયે ફેસબુક પર બે ફોટા વાઈરલ થયા અને એ ફોટાને ‘સમાચાર’ માનીને કેટલાંક વર્તમાનપત્રોએ બીજા દિવસે છાપી પણ માર્યા. એશિયાના કોઈ એક નાનકડા દેશમાં ચાર-છ જણા જનાજો લઈને જાય છે એવી પહેલી તસવીર અને બીજી તસવીરમાં જનાજો આગળ નીકળી ગયો છે, કફનમાં વીંટાળેલો મૃતદેહ રસ્તા પર પડ્યો છે અને બે-ચાર જણા પેલા ડાઘુઓને બોલાવી રહ્યા છે કે ઓ ભાઈ, તાબૂતમાંથી લાશ પડી ગઈ છે.
આ ફોટા સાથે લખેલું કે વીડિયોમાંથી લીધેલી આ તસવીરોમાં સ્પષ્ટ જણાય છે કે ડાઘુઓની જાણબહાર લાશપેટીનું ઢાંકણું ખૂલી ગયું અને લાશ રસ્તા પર પડી ગઈ. હવે કોઈ તોફાનીએ આ વીડિયો ઉતાર્યો-મજાક કરવા. બાકી તાબૂતમાંથી લાશ બહાર ફેંકાય કેવી રીતે? અને ધારો કે ફેંકાય તો જનાજામાં જોડાનાર એક પણ વ્યક્તિને ખભા પરનું વજન ઓછું થઈ ગયાનું ભાન પણ ન થાય! કૉમનસેન્સનો સવાલ છે. આ જ રીતે પાંચ-છ વર્ષ પહેલાં કોઈએ હૉટેલિકૉપ્ટર (હેલિકૉપ્ટરમાં લકઝરી હૉટેલ)વાળો હોક્સ ફોટા-વીડિયો સાથે સોશ્યલ મીડિયામાં શરૂ કર્યો જે વાઈરલ થયો અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ એ બનાવટને સાચી માનીને ‘ન્યૂઝ છાપ્યા કે જુઓ, હવે તો હેલિકૉપ્ટરમાં ફાઈવ સ્ટાર હૉટેલ જેવા રૂમ્સની સગવડ આવી ગઈ છે!
આવા ઈનોસન્ટ સંદેશાઓ પ્રૅન્ક તરીકે - રમૂજ તરીકે ફરે અને પ્રિન્ટ મીડિયા એને સાચા માનીને સમાચાર તરીકે છાપી નાખે ત્યારે નુકસાન કોઈનું નથી, માત્ર છાપનારાઓની અક્કલનું અને અધીરાઈનું પ્રદર્શન થાય છે. પણ જે સંદેશાઓ કોઈના માટે નુકસાનકારક પુરવાર થઈ શકે એમ હોય ત્યારે એને ફૉરવર્ડ કરનારા આપણે, સોશ્યલ મીડિયાના વપરાશકારો, કોઈના પાપના ભાગીદાર બની જઈએ છીએ.
આજનો વિચાર
સત્ય હજુ શૂઝ પહેરતું હોય ત્યાં સુધીમાં અસત્ય આખી દુનિયા ફરી લેતું હોય છે.
(આ મશહૂર ક્વોટ ગયા મહિનાની ૧૫મીએ ૬૬ વર્ષની ઉંમરે ગુજરી ગયેલા ઇંગ્લેન્ડના લેખક સર ટેરેન્સ ડૅવિડ જહૉનનું છે જે ટેરી પ્રેટ્ચેટ તરીકે ઓળખાતા હતા.)
એક મિનિટ!
સવારે તમે રવાના કરેલું, સાંજે તમારી જ પાસે પાછું ફરે એને...


...વૉટ્સઍપ ગ્રુપ મેસૅજ કહે છે. (વૉટ્સઍપ પર ફરતું)

No comments: