Thursday, January 21, 2016

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, વડોદરા (સમાચાર યાદી તા. ૨૧/૦૧/૨૦૧૬) õ વડોદરા ખેલ મહાકુંભ-૨૦૧૬ : શહેર-જિલ્લામાં ગત વર્ષ કરતાં બમણી સંખ્યામાં રમતવીરોએ કરાવી નોંધણી રાજ્યકક્ષાની ૦૫ સ્પર્ધાઓ વડોદરાના યજમાનપદે રમાવાની શક્યતા

પ્રાદેશિક માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, વડોદરા
(સમાચાર યાદી તા. ૨૧/૦૧/૨૦૧૬)
õ

વડોદરા
ખેલ મહાકુંભ-૨૦૧૬ :
શહેર-જિલ્લામાં ગત વર્ષ કરતાં બમણી સંખ્યામાં રમતવીરોએ કરાવી નોંધણી
રાજ્યકક્ષાની ૦૫ સ્પર્ધાઓ વડોદરાના યજમાનપદે રમાવાની શક્યતા
માહિતી બ્યુરો, ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ (ગુરુવાર) રાજ્યભરમાં સન ૨૦૧૬ના ખેલ મહાકુંભ હેઠળ વિવિધ રમત સ્પર્ધાઓ શરૂ થઇ ગઇ છે અને વડોદરા શહેર-જિલ્લામાં રમતોત્સવમાં ભાગ લેવા માટે સન ૨૦૧૫ની સરખામણીમાં લગભગ બમણાથી વધુ સંખ્યામાં રમતવીર સ્પર્ધકોએ ઉત્સાહભેર નોંધણી કરાવી છે. અત્યાર સુધી ખેલ મહાકુંભના જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ઉમેદવારોને રોકડ ઇનામો આપવામાં આવતા હતા તેવી માહિતી આપતા જિલ્લા રમતગમત અધિકારી શ્રી રાજુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે વર્ષે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકોને રોકડ ઇનામ આપવાની જોગવાઇ ઉમેરવામાં આવી છે.
સન ૨૦૧૫માં કોર્પોરેશન અને જિલ્લા કક્ષાએ કુલ ૮૩ હજાર ખેલાડીઓએ રમવા માટે નોંધણી કરાવી હતી. તેની સાથે વર્ષે કોર્પોરેશન કક્ષાએ ૮૬૭૧૯ અને જિલ્લા કક્ષાએ ૮૭૧૯૬ મળીને કુલ ૧૭૩૯૧૫ સ્પર્ધકોએ રમત મેદાનમાં ઉતરવા માટે નોંધણી કરાવી છે.
ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ નવ વર્ષથી ઓછી ઉંમરના કિશોર રમતવીરોથી લઈને ૬૫ વર્ષની ઉંમર સુધીના ખેલપ્રેમીઓને વિવિધ શ્રેણીઓમાં અને ગામથી લઈને રાજ્યકક્ષા સુધી ૨૧ જેટલી રમતોમાં ભાગ લેવા, વિજેતા બનવા અને ઇનામો જીતવાની પ્રોત્સાહક તક આપશે.
ખેલ મહાકુંભ હેઠળ કુલ એકવીસ પ્રકારની રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. જેમાં વોર્ડ કક્ષાએ-૬, ઝોન કક્ષાએ-૮ અને જિલ્લા કક્ષાએ તમામ ૨૧ પ્રકારની રમતોની સ્પર્ધાઓ યોજાશે.
જ્યારે હાફ મેરેથોન, ધોડેસ્વારી, વેઇટ લીફટીંગ, રાયફલ શુટીંગ, જીમ્નાસ્ટીક્સ અને સાયકલીંગની રમત સ્પર્ધાઓ રાજ્યસ્તરની યોજાશે.
ગૌરવની વાત છે કે મહિલા એથ્લેટીક્સ, ભાઇઓ/બહેનો માટે બાસ્કેટ બોલ, પુરૂષ હોકી, રાયફલ શુટીંગ માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાઓ વડોદરા શહેરમાં તથા જીમ્નાસ્ટીક્સની રાજ્યકક્ષાની સ્પર્ધા મોટા ફોફળીયા ખાતે સી.એ.પટેલ હાઇસ્કૂલમાં યોજાવાની સંભાવના છે. સંધીય રમતોમાં વર્ષે રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાની વિજેતા ટીમો ઉપરાંત પરાજિત ટીમોમાંથી પસંદ થયેલા શ્રેષ્ઠ ખેલાડીઓની સિલેકશન ટીમ્સને ભાગ લેવાની તક મળશે.
જનજાગૃતિ અભિયાન દ્વારા બે દિવસના સાહિત્ય મહા પર્વનું આયોજન
સાહિત્ય સર્જનના દૃષ્ટિકોણથી સ્વતંત્રતા સંગ્રામના સમયગાળાની થશે પરિચર્ચા
માહિતી બ્યુરો, ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ (ગુરુવાર) સાહિત્ય, કલા અને સંસ્કૃતિ પ્રોત્સાહક સંસ્થા જનજાગૃતિ અભિયાન દ્વારા બે દિવસના સાહિત્ય મહા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્ય સર્જનના દૃષ્ટિકોણથી સ્વતંત્રતા સંગ્રામના સમયગાળાની પરિચર્ચા થશે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના સહયોગથી આયોજિત મહા પર્વનો તા.૨૪મી જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ સવારના ૯.૩૦ કલાકે અકાદમી અધ્યક્ષ અને કવિ-પ્રશાસક શ્રી ભાગ્યેશ જ્હા ફેક્લ્ટીના ડૉ. આઇ.જી.પટેલ સેમિનાર હોલમાં પ્રારંભ કરાવશે. મ.સ.વિશ્વવિઘાલયના કાર્યવાહક કુલપતિ પ્રા. પરિમલ વ્યાસના અધ્યક્ષપદે આયોજિત ઉદધાટન સત્રમાં જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક ડૉ. રધુવીર ચૌધરી, અગ્રણી સાહિત્યકાર ડૉ. સરોજકુમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.              
દિવ્યાંગ મૂકબધિરો પ્રસ્તુત કરશે સાંસ્કૃતિક કાર્યક્રમ
માહિતી બ્યુરો, ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ (ગુરુવાર) મૌનનો અવાજ બનીને કામ કરતા મૂક ધ્વનિ ટ્રસ્ટ દ્વારા રુ-બ-રુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્યાંગ મૂકબધિરો સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની કલાક્ષમતાનો અનુભવ કરાવશે. સયાજીનગર ગૃહ ખાતે તા.૨૪મી જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ રાત્રિના ૮.૩૦ કલાકે આયોજિત કાર્યક્રમની સાથે જાણીતી ગાયક બેલડી સચીન-અશીતા લિમયે સુમધુર ગીત સંધ્યાનો સમન્વય કરશે.
ગ્રંથાલય સહાયક યોજનાઓ અંગે ગોધરામાં કાર્ય શિબિર
માહિતી બ્યુરો, ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ (ગુરુવાર) મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રીની કચેરી, વડોદરા અને સરકારી જિલ્લા પુસ્તકાલય, ગોધરા દ્વારા રાજ્ય સરકાર અને રાજા રામમોહનરોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તાની સમાન આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્યના જાહેર ગ્રંથાલયોના સંચાલન, નીતિ નિયમો અને ફાઉન્ડેશનની વિવિધ સહાયક યોજનાઓથી માહિતગાર કરવા તથા માર્ગદર્શન આપવા સારૂ તા.૨૫/૦૧/૨૦૧૬ને સોમવારના રોજ એક દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ ભવન, સિવિલ લાઇન્સ, ગોધરા ખાતે તા.૨૫/૦૧/૨૦૧૬ના રોજ સવારના ૯.૦૦ કલાકે આયોજિત કાર્યશિબિર દરમિયાન જુદા જુદા વિષય નિષ્ણાતો દ્વારા વિષયને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ રાજા રામમોહનરોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તાની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેમ વડોદરાના મદદનીશ ગ્રંથાલય નિયામક વર્ષા શાહપટેલની યાદીમાં જણાવાયું છે.
ચહેરો છુપાવતા નિન્જા માસ્ક કે અન્ય આવરણ સાથે વાહન ચલાવવાની મનાઇનો અમલ લંબાવાયો
માહિતી બ્યુરો, ૨૧ જાન્યુઆરી, ૨૦૧૬ (ગુરુવાર) શહેર પોલીસ કમિશનરે આતંકવાદી ગતિવિધિઓની શક્યતા અટકાવવા કાયદાની સંબંધિત જોગવાઇઓ હેઠળ એક જાહેરનામુ બહાર પાડયુ છે. તેના હેઠળ નિન્જા માસ્ક કે અન્ય કપડાના આવરણ હેઠળ ઓળખ છુપાવીને વાહન હંકારવાની તાત્કાલિક અસરથી તા.૧૯/૦૩/૨૦૧૬ સુધી મનાઇ ફરમાવી છે. તેનું ઉલ્લંધન કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.     

ખેડા-નડિયાદ
એ.જે.હાઇસ્કુલ, વસો ખાતે રસ્સાખેંચ, કબડ્ડી અને એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ
જિલ્લા માહિતી કચેરી, નડિયાદઃ તા.૨૧ જાન્‍યુઆરી (ગુરૂવાર) ખેલ મહાકુંભ-૨૦૧૫ અન્વયે એ.જે.હાઇસ્કુલના આચાર્યશ્રી રાજુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, રાજયના દરેક રમતવીરો માટે રાજય સરકાર સતત જાગૃત છે અને પ્રોત્સાહન આપી રહી છે. ચાલુ સાલે પણ વધુને વધુ ખેલાડીઓ આવી સ્પર્ધાઓમાં ભાગ લઇ શારીરિક સૌષ્ઠવ કેળવે તે આજના સમયની માંગ છે. વિધાર્થી જીવનમાં અભ્યાસનું ખુબ જ મહત્વ છે પરંતુ સાથે સાથે સાંસ્કૃતિક અને શરીર સૌષ્ઠવનું પણ સમગ્ર જીવન માટે એટલું જ મહત્વ છે તેથી દરેક વિધાર્થીએ તેઓને મનપસંદ ગમતી કોઇપણ રમતમાં રસ કેળવવો જોઇએ. આજે શાળા કક્ષાએથી વિજેતા પામેલ ટીમો દ્ધારા એ.જે.હાઇસ્કુલ, વસો ખાતે તાલુકા કક્ષાએ રમાતી રસ્સાખેંચ, કબડ્ડી અને એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઇ રહી છે જેમા વસો તાલુકાની જુદી-જુદી સ્કુલોમાંથી તમામ વયજુથ ધરાવતા આશરે ૩૭૫ થી વધુ  રમતવીરો/વિધાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહયા છે જે વસો તાલુકા માટે ગૌરવની વાત છે. આ સમગ્ર સ્પર્ધામાં તાલુકાભરમાંથી આવેલ વ્યયામ શિક્ષકશ્રીઓ તથા અન્ય શિક્ષકશ્રીઓ દ્ધારા વ્યવસ્થા અને સુચારૂં આયોજન કર્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી રાજુભાઇ પટેલ, તાલુકાના વ્યયામ શિક્ષકશ્રીઓ, અને સ્પર્ધામાં ભાગલેનાર રમતવીરો તેમજ ગામના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
પેટા પ્રાદેશિક રોજગાર કચેરી4 નડીયાદ દ્વારા તા.૨૯ જાન્યુ-૨૦૧૬ના રોજ  યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજ, નડીયાદ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે
જિલ્લા માહિતી કચેરી, નડિયાદઃ તા.૨૧ જાન્‍યુઆરી (ગુરૂવાર) પેટા પ્રાદેશિક રોજગાર કચેરી4 નડીયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૯-૦૧-૨૦૧૬ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજ, નડીયાદ ખાતે રોજગાર ભરતીમેળાનું તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. રોજગાર ભરતીમેળામાં (૧) કોર્પ એચ.આર.સોલ્યુશન્સ, અમદાવાદમાં લોન ઓફિસર કસ્ટમર કેર એક્યુકેટીવની ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા, ઘોરણ-૧૨ પાસ તથા કોઇપણ સ્નાતક (ફક્ત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો) (૨) રિલાયેબલ ફર્સ્ટ, અમદાવાદમાં ટ્રેઇની, કસ્ટમર સર્વિસ એસોસિએટની ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા, ધોરણ-૧૨ પાસ કે તેથી વધુ ભણેલા અને  આઇ.ટી.આઇ ઇલેક્ટ્રીશીયન/વાયરમેન ઉમેદવારો (૩) શિવશક્તિ બાયોટેક્નોલોજીસ પ્રા.લી. અમદાવાદમાં માર્કેટિંગ/સેલ્સ એક્ઝીક્યુટીવની ખાલી જગ્યાઓ માટે ૧૮ થી  ૩૫ વર્ષની વય  ધરાવતા, ધોરણ-૧૨ પાસ કે તેથી વધુ ભણેલા ફક્ત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો (૪) જીકેન માર્કેટ, ૨૪ હરીકૃષ્ણ કોમ્પલેક્ષ, મીશન રોડ, નડિયાદમાં માર્કેટીંગ મેનેજર,સેલ્સ મેનેજરની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષ વય ધરાવતા, ઘોરણ-૧૦, ૧૨ પાસ તથા કોઇપણ સ્નાતક કે તેથી વધુ (ફક્ત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો) (૫) નમ્ર ફાઇનાન્સ લી. અમદાવાદની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા ઘોરણ-૧૦, ૧૨ પાસ તથા કોઇપણ સ્નાતક (ફક્ત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો) હાજર રહી શકશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો પણ ભાગ લઇ શકશે તેમજ અન્ય સ્થાનિક નોકરીદાતાઓ પણ હાજર રહી શકશે. તેમ પેટા પ્રાદેશિક રોજગાર અધિકારીશ્રી, નડિયાદ દ્વારા જણાવાયું છે.                    

પંચમહાલ-ગોધરા
પંચમહાલ જિલ્લામાં નેશનલ ગર્લ ચાઇલ્ડ વીકની ઉજવણી
ગોધરા, ગુરૂવારઃ—દેશભરમાં તા. ૨૪મી જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે મુજબ પંચમહાલ જિલ્લામાં નેશનલ ગર્લ ચાઇલ્ડ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીના ભાગરૂપે તા.૨૨/૧/૨૦૧૬ના રોજ ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.
બેટી બચાવો અને બેટી પઢાઓના મુખ્ય હેતુ અંતર્ગત અને ઉજવણીના ભાગરૂપે તા.૨૨/૧/૨૦૧૬ના શુક્રવારે વોક એ થોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બપોરના ૪/૦૦ કલાકે વોક એ થોનનો પ્રારંભ થશે. જે શહેરના લાલબાગ, બસ સ્ટેશન, નહેરૂબાગ, બાવાની મઢી, સોનીવાડ-હોળી ચકલા, સાવલી વાડ, વિશ્વકર્મા ચોક, સરદાર નગર ખંડ, કલેકટર કચેરી થઇ જીમખાના ખાતે સમાપન થશે. જીમખાના ખાતે સાંજે ૬/૦૦ કલાકે બેટી બચાવો, બેટી વઢાઓના ઉદેશ સાથે ગીત-સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં સૌને ઉપસ્થિત રહેવા મૂખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા વિનંતિ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાની મુલાકાતે રાજયના પ્રિન્સિપલ સેક્રેટરી અને આરોગ્ય કમિશ્નર
ગોધરા, ગુરૂવારઃ—રાજયના પ્રિન્સિપલ સેક્રેટરી અને આરોગ્ય કમિશ્નર શ્રી જે.પી.ગુપ્તા તા. ૨૨/૧/૨૦૧૬ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે પધારી રહયા છે. તેમના પ્રવાસ કાર્યક્રમ અનુસાર સવારે ૯/૦૦ કલાકે ગોધરાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય સેવા સંબંધી બેઠક યોજશે. ત્યારબાદ, ૧૦/૩૦ કલાકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકાના આરોગ્ય અધિકારીઓ સાથે જાહેર આરોગ્ય કાર્યક્રમો અને યોજનાઓની સમીક્ષા કરશે.
આઇ.એ.એસ, આઇ.પી.એસ. જેવી તાલીમ હવે ગોધરા ખાતેથી મળી રહેશે
ગોધરા, ગુરૂવારઃ—ભારતની સનદી સેવા જેવીકે આઇ.એ.એસ, આઇ.પી.એસ, આઇ.એફ.એસ સહિત પ્રસાશન અને અન્ય તાલીમો હવે પંચમહાલ જિલ્લા મથક ગોધરા ખાતેથી મળી રહેશે.  રાજયની સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા-સ્પિપાના સબ સેન્ટરનો પ્રારંભ ગોધરાની તેલંગ વાણિજય વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો છે. જેમાં વહીવટી સેવાઓમાં જોડાવા માટેની તાલીમ, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની તાલીમ સાથે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રીફ્રેશર કોર્ષ સહિતની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ બની છે.
પંચમહાલ જિલ્લાના કાર્ડ ધારકો જોગ
ગોધરા, ગુરૂવારઃ— પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ની અમલવારી સંભવિત એપ્રિલ-૨૦૧૬ થી થનાર છે. આ માટે સામાજિક, આર્થિક અને જાતિના આધારે અગ્રતા ધરાવતા કુટુંબોની યાદી, વસ્તી ગણતરી-૨૦૧૧ની વિગતો સાથે રેશનકાર્ડ મેપીંગની કામગીરી જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી છે.  આ કામ ચલાઉ અગ્રતા ધરાવતા કુંટુંબોની યાદીનું વાંચન હાલમાં ચાલી રહેલી ગ્રામ સભાઓમાં કરવામાં આવી રહયું છે. આ ગ્રામ સભાઓ તા. ૩૧/૧/૨૦૧૬ સુધી યોજાનાર છે. વધુમાં આ અગ્રતા ધરાવતા કુંટુંબોની યાદી ૧. ગ્રામ પંચાયત કચેરી/ચાવડી ૨. સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ૩. તાલુકા પંચાયત કચેરી ૪. મામલતદાર કચેરી અને ૫. જિલ્લા પુરવઠા કચેરી ખાતે પ્રસિદ્વ કરવામાં આવી છે. આ યાદીમાં આપના કુટુંબનો સમાવેશ થયો છે કે કેમ? તે ચકાસી લેવું. આ યાદી અંગે વાંધો હોય અથવા અગ્રતા યાદીમાં નામ સમાવેશ કરવાં માટે દાવો રજુ કરવો હોય તેમણે યાદી પ્રસિદ્વિ થયેથી દિન-૭માં નિયત નમુનામાં વાંધા અરજી સંબંધિત મામલતદાર કચેરીમાં કરી શકાશે. નિયત નમુનાની અરજીનું ફોર્મ વિના મૂલ્યે મળશે. આ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદી ક્ષતિ રહિત તૈયાર થાય તે જરૂરી હોઇ તેમાં જિલ્લાના સૌ નાગરિકો સાથ સહકાર આપી સહભાગી થવા જિલ્લા કલેકટર પી. ભારથીએ આ યાદીમાં ખાસ અનુરોધ કર્યો છે.

આણંદ
ડી.એન.હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય મતદાતા દિવસ -૨૫ જાન્યુઆરીની ઉજવણી થશે
મહિલા મતદારોની રેલીને કલેકટર ડૉ.ધવલ પટેલ પ્રસ્થાન કરાવશે
આણંદ - ગુરૂવાર - ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષ તા.૨૫ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ જિલ્લા કક્ષાનો રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી આગામી તા.૨૫ જાન્યુઆરીના રોજ ડી.એન.હાઇસ્કુલના પ્રાર્થના હોલ ખાતે યોજાનાર છે.  આ કાર્યક્રમના ભાગરૂપે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાયું  જેમાં આંગણવાડી કાર્યકરો અને મતદાતા જોડાશે. આ રેલીને જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલ પ્રસ્થાન કરાવશે જે સવારે ૮-૩૦ કલાકે ટાઉન હોલ થી શરૂ થઇ ૧૦-૦૦ કલાકે ડી.એન. હાઇસ્કુલ ખાતે પહોચશે. એમ મામલતદારશ્રી, આણંદ(શહેર) દ્વારા જણાવાયું છે.
આણંદ જિલ્લા કક્ષાની ૬૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી બોરસદ ખાતે કરાશે
શિક્ષણ,નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
આણંદ - ગુરૂવાર -ભારતના ૬૭માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તા.૨૬ જાન્યુઆરી-૨૦૧૬, મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે પટેલ જે.બી.રૂદેલવાલા આર્ટસ,પટેલ એ.એમ. રૂદેલવાલા કોમર્સ એન્ડ પટેલ જે.ડી.કે. દાવોલવાલા સાયન્સ કોલેજ, બોરસદ ખાતે યોજાનાર છે.
આણંદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માનનીય મંત્રીશ્રી, શિક્ષણ (પ્રાથમિક,માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, વૈધાનિક અને સંસદીય બાબતોના વરદ હસ્તે ધ્વજવંદન યોજાશે આ સમારોહમાં આણંદ જિલ્લાના નાગરિકોને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશની યાદીમાં આપનું  કુટુંબની ચકાસણી કરો
આણંદ - ગુરૂવાર - રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ની સંભવિત અમલવારી એપિ્રલ-૨૦૧૬ થી થવા જઇ રહી છે.  અને તે માટે  અગ્રતા ધરાવતા કુટુંબો નક્કી કરવા માટે સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસ્તી વણતરી ૨૦૧૧ના ડેટા સાથે રેશન કાર્ડ મેંપીંગની કામગીરી આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવેલ છે જેમાંથી અગ્રતા ધરાવતા કુટુંબની યાદીનું તા.૩૦/૧/૨૦૧૬ સુધી યોજાનાર ગ્રામસભાઓમાં વાંચન તથા ગ્રામ પંચાયત/ચાવડી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને જિલ્લા પુરવઠા કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવશે.
અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં આપના કુટુંબનો સમાવેશ થયેલ છે કે કેમ? તે અંગેની ચકાસણી જે તે ગામની યાદીમાં કરી લેવા વિનંતી છે. જો આ કામચલાઉ યાદીમાં કોઇને વાંધો હોય/અગ્રતા યાદીમાં સમાવેશ કરવા દાવો રજુ કરવા માંગતા હોય તેઓએ યાદી પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં દાવા અને વાંધા અરજી નિયત નમૂનામાં સબંધિત મામલતદાર કચેરીમાં વિના મૂલ્યે ફોર્મ મેળવી રજુ કરવી.
આણંદ જિલ્લાની રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ લાભાર્થીઓની યાદી ક્ષતિ રહિત તૈયાર કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આર.ટી.ઝાલાએ આણંદ જિલ્લાની જનતાને સહભાગી થવા અનુરોધ કર્યો છે.
તા.૨૭-જાન્યુઆરીએ આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજાશે
આણંદ - ગુરૂવાર - આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) જે-તે તાલુકા મથકે નિયત સ્થળે આગામી તા.૨૭/૦૧/૨૦૧૬ ના બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી.  અગાઉ ફરીયાદ નિવારણમાં પુંછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી. અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૭/૦૧/૨૦૧૬ સવારે ૧૧-૦૦ કલાકે જે-તે તાલુકા મથકોએ જાતે હાજર રહેવા જણાવાયું છે.            
તા.૨૮--જાન્યુઆરીએ આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
આણંદ - ગુરૂવાર - આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૧/૨૦૧૬ના ગુરૂવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે, કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે. જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બિન નિવાસી ભારતીય (એન.આર.આઇ) અને બિન નિવાસી ગુજરાતી (એન.આર.જી) ને સ્પર્શતા ઇ-મેઇલથી મળેલ પ્રશ્નોના જવાબ પણ જે-તે અરજદારોને તેમના ઇ-મેઇલ એડ્રેસ ઉપર આપવામાં આવશે.ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ફરીયાદ નિવારણમાં પુછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૮/૦૧/૨૦૧૬ સવારે ૧૦-૧૫ કલાકે કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે હાજર જણાવાયું છે.

છોટાઉદેપુર
આઇ.એ.એસ. તથા આઇ.પી.એસ. બનવા ઇચ્‍છુક સ્‍નાતકોને ઘર આંગણે તાલીમ મળશે
આગામી પ્રજાસત્તાક દિનથી રાજ્યના દરેક જિલ્‍લા મથકોએ આ તાલીમ કેન્‍દ્રોનો પ્રારંભ થશે
યુવાધનને કારકીર્દી ઘડતર માટે નવા દ્વાર ખોલી આપતા શિક્ષકહ્રદયી મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલ
છોટાઉદેપુર, ગુરૂવારઃ ગુજરાતનું યુવાધન ભારત સરકારની સેવામાં વધુ ને વધુ જોડાય તે માટે કારકીર્દી ઘડતરના નવા દ્વાર મુખ્‍યમંત્રી શ્રીમતી આનંદી બહેન પટેલે ખોલી આપ્‍યા છે. મુખ્‍યમંત્રી યુવા સ્‍વાવલંબન યોજના અન્‍વયે આગામી પ્રજાસત્તાક દિનથી રાજયના દરકે જિલ્‍લા મથકોએ સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્‍થાના આઇ.એ.એસ., આઇ.એફ.એસ. તથા આઇ.પી.એસની તાલીમ આપતા મથકોનો પ્રારંભ થશે. દરેક જિલ્‍લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થનાર આ તાલીમ સેન્‍ટરમાં કોઇપણ શાખાના સ્‍નાતક ભારત સરકારની સેવામાં જોડાવા માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તાલીમ ઘર આંગણેજ મેળવી શકશે. સ્‍નાતક કક્ષાએ કોઇપણ શાખાના યોગ્‍ય વિદ્યાર્થી વિના મુલ્‍યે પ્રવેશ પાત્ર થશે. જિલ્‍લા મથકોના તાલીમ વર્ગો માટે રાજયના મુખ્‍ય સચિવશ્રી જી.આર.અલોરિયાએ તમામ જિલ્‍લા કલેકટરશ્રીઓને માર્ગદર્શન સૂચનાઓ આપી આ યોજનાને અગ્રતા આપવા જણાવ્‍યું છે.
હાલમાં માત્ર અમદાવાદ ખાતે સરદાર પટેલ લોકપ્રસાશન સંસ્‍થા (સ્‍પીપા)માં જ આ સુવિધા ઉપલબ્‍ધ હતી. પરંતુ ગુજરાતના સહ્રદયી શિક્ષક મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતનું યુવાધન ભારત સરકારની સેવામાં વધુને વધુ સંખ્‍યામાં જોડાય, તેમને અમદાવાદ સુધી પોતાના ગામથી આવવાનો ખર્ચ ન કરવો પડે તે માટે દરેક જિલ્‍લા મથકોએ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના તાલીમ કેન્‍દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે તેમ સ્‍પીપાના મહાનિર્દેશકશ્રી વિપુલ મિત્રાએ જણાવ્‍યું છે. ઉપરોકત તાલીમ વર્ગની અન્‍ય વિગતો માટે જિલ્‍લા કલેકટરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.     
ભારતના ચૂંટણી પંચના સ્‍થાપના દિને રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

છોટાઉદેપુર, ગુરૂવારઃ ૨૫મી જાન્‍યુઆરીએ ભારતના ચૂંટણી પંચનો સ્‍થાપના દિવસ છે. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જેનુ દેવના જણાવ્‍યા મુજબ તા.૨૫/૦૧/૨૦૧૬ ના રોજ રાષ્‍ટ્રીય મતદાતા દિવસની જિલ્‍લા અને તાલુકા સ્‍તરે મોટા પ્રમાણમાં મતદાર જાગૃતિ કેળવાય તેવા કાર્યક્રમો દ્વારા અસરકારક ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્‍લા કક્ષાએ શિરોલાવાલા માધ્‍યમિક શાળા, બોડેલી, તાલુકા કક્ષાએ છોટાઉદેપુર તાલુકાનો કાર્યક્રમ તેજગઢ મુકામે તથા તે સિવાયના તમામ તાલુકાઓમાં તાલુકા મથક ઉપરાંત સમગ્ર જિલ્‍લાના તમામ મતદાન મથકો ધરાવતી તમામ શાળાઓમાં ગામે ગામ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. સદર કાર્યક્રમ દરમિયાન મતદારોએ લેવાની પ્રતિજ્ઞાઓ લેવામાં આવશે. મતદાર યાદીની ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, સુપરવાઈઝરો અને બી.એલ.ઓ.ને પ્રમાણપત્ર તેમજ શાળા કક્ષાએ ક્વીઝ સ્‍પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર તેમજ બેજ આપવામાં આવશે. ઉપરાંત નવા નોંધાયેલા મતદારોને બેજ આપી સન્‍માન કરવામાં આવશે.  

No comments: