Saturday, May 23, 2015

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ
ભયજનક હદે કેમ વધી રહ્યું છે..?

- સંજય વોરા


દુનિયામાં જેટલાં પણ લગ્ન થાય છે, તેમાંના ૨૦ ટકા છૂટાછેડામાં પરિણમે છે  અમેરિકામાં થતાં ૫૦ ટકા અને જાપાનમાં થતાં ૩૨ ટકા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. ભારતમાં ઇ.સ. ૧૯૭૪ની સાલમાં છૂટાછેડાનું પ્રમાણ ૩ થી ૪ ટકા હતું જે આજે વધીને ૧૩ થી ૧૪ ટકા ઉપર પહોંચી ગયું છે. આજે કોઇ પણ ફેમિલી કોર્ટમાં જઇએ તો છૂટાછેડા વિષયક કેસોનો ખડકલો જોવા મળે છે તેમાંના મોટા ભાગના કેસો આંતરજ્ઞાતિય અને આંતરજાતિય લગ્નોને લગતા હોય છે. જે પતિ - પત્ની બંને નોકરી-વ્યવસાય કરતા હોય તેમની અંદર પણ છૂટાછેડાનું પ્રમાણ વધુ જોવા મળે છે તેનું કારણ એ છે કે આર્ય સંસ્કૃતિની લગ્ન માટેની જે આચારસંહિતા છે તે પતિ - પત્ની બંનેના હિતમાં છે આજે આપણા સમાજમાં આ આચારસંહિતાનો ભંગ કરવામાં આવતો હોવાથી લગ્નો નિષ્ફળ જવાની સંભાવના વધતી જાય છે અને છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જૂના જમાનામાં માતાપિતા કુળ, સંસ્કાર, ખાનદાની અને કુટુંબ જોઇને કન્યા - મૂરતિયાની સગાઇ કરી દેતા હતા લગ્ન પહેલાં પતિ - પત્ની એકબીજાનું મોંઢું પણ જોઇ શકતા નહીં  આજે કન્યા અને મૂરતિયા વચ્ચે અનેક મિટિંગો કરીને સગાઇ કરવામાં આવે છે  તેમ છતાં આજે જેટલાં લગ્ન નિષ્ફળ જાય છે એટલાં લગ્નો તે કાળમાં નિષ્ફળ જતા નહોતા આજે યુવક યુવતીઓ કોલેજમાં અને હવે તો સ્કૂલમાં ભણતા હોય ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનાં વચનો આપી દે છે. આજની નવી પેઢી પ્રેમમાં પડવા માટે કુળ, જાતિ, સંસ્કાર, ધર્મ વગેરે કાંઇ નથી જોતી તેઓ જેને પ્રેમ માને છે તે પણ હકીકતમાં મોહ અથવા શારીરિક આકર્ષણ હોય છે. માતા પિતાની મરજીથી ઉપરવટ જઇને તેઓ પરણે છે લગ્નના પહેલા જ દિવસથી તેમનો મોહ ઓસરી જાય છે બીજા છ મહિનામાં શારીરિક આકર્ષણ પણ ઘટવા લાગે છે ત્યાર પછી જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરવામાં આવે ત્યારે ધર્મ, સંસ્કાર, સ્વભાવ, ખાનદાની અને સામાજીક દરજ્જાની વાસ્તવિકતાઓ સમજાય છે જેને કારણે વિસંવાદ પેદા થાય છે  આ વિસંવાદનો કોઇ ઉકેલ ન મળતાં છેવટે આવાં લગ્નો છૂટાછેડામાં પરિણમે છે.

પતિ અને પત્ની લગ્ન કરીને સંસાર માંડે તે પછી કોઇ સમસ્યા પેદા થાય તો બધાં પતિ - પત્ની છૂટાછેડા લેવા માટે ફેમિલી કોર્ટમાં નથી પહોંચી જતા. આવું આત્યંતિક પગલું ૧૦૦ માં થી ૨૦ યુગલો લે છે બાકીના ૮૦ પૈકી ૨૦ યુગલો સતત સંઘર્ષ કરતાં જીવે છે પણ છૂટાછેડા લેવા તૈયાર નથી થતા તેમનું લગ્નજીવન તો દુ:ખી જ હોય છે  બાકીના ૬૦ પૈકી ૨૦ યુગલો એક છત હેઠળ જીવતા હોવા છતાં અજનબીની જેમ જીવે છે પણ છૂટાછેડા નથી લેતા તેમણે માનસિક દૃષ્ટિએ એકબીજા સાથે છૂટાછેડા લઇ લીધા હોય છે પણ સંતાનોનું ભવિષ્ય ન બગડે એમ સમજીને તેઓ ભેગા રહેતા હોય છે. બાકીના ૪૦ ટકા પૈકી ૨૦ ટકામાં સ્ત્રી - પુરુષ વચ્ચે પ્રેમ અને લાગણીના સંબંધો નથી હોતા પણ તેઓ સગવડિયા લગ્નને ટકાવી રાખે છે અને પરાણે હસતું મોંઢું રાખીને જીવે છે. આજના કાળમાં આપણા સમાજમાં જેઓ સાચા અર્થમાં સુખી હોય અને એકબીજાના સુખદુ:ખના સાથી બનીને રહેતા હોય તેવા પતિ-પત્નીની સંખ્યા ૨૦ ટકાથી વધુ નહીં હોય કોઇ પણ ભિન્ન જાતિ, ધર્મ, પરંપરા, સંસ્કાર અને રીતરિવાજો ધરાવતા સ્ત્રી - પુરુષ લગ્ન કરીને સંસાર માંડે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે ધર્મ વગેરેની ભિન્નતાને કારણે અપરંપાર સમસ્યાઓ પેદા થાય છે યુવતી ચુસ્ત શાકાહારી પરિવારમાં મોટી થઇ હોય અને તેને સાસરે માંસાહારી વાનગીઓ રાંધવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેને ઘર છોડીને ભાગી જવાની ઇચ્છા થઇ આવે છે. જૈન ધર્મ પાળતી કન્યા વૈષ્ણવ યુવક સાથે પ્રેમલગ્ન કરે અને પર્યુષણમાં પણ તેને વ્યાખ્યાન સાંભળવા જવા દેવામાં ન આવે ત્યારે તેને પોતાના ધર્મમાં લગ્ન કરવાનું મહત્ત્વ સમજાય છે. કચ્છની એક જૈન કન્યા પટેલના ઘરે પરણીને ગઇ ત્યારે તેને ચૂલો ફૂંકવાની અને વાસીદું વાળવાની ફરજ પાડવામાં આવી હતી લગ્નના છ જ મહિનામાં તે પિયર પાછી આવી ગઇ હતી  સ્ત્રી - પુરુષ જ્યારે પ્રેમમાં હોય ત્યારે તેમને આ સમસ્યાઓની ગંભીરતા સમજાતી નથી પણ ગૃહસ્થાશ્રમના અનુભવથી ખ્યાલ આવે છે કે પોતાની જ્ઞાતિમાં અને પોતાના ધર્મમાં પરણવાના કેટલા ફાયદા છે. આ કારણે જ આજે પણ પ્રેમલગ્નો કરતાં માબાપે ગોઠવેલાં લગ્ન વધુ સફળ થતાં જોવા મળે છે હવે તો યુવક યુવતીઓમાં જાણે એરેન્જ્ડ મેરેજનો પવન ફૂંકાતો જોવા મળે છે.

આજની વિચિત્ર સામાજીક પરિસ્થિતિને કારણે લગ્નજીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે જે ભંગાણ તરફ દોરી જાય છે આવું ન બને તે માટે લગ્નૈચ્છુક કન્યા  -મૂરતિયાઓએ અને તેમના વડીલાએ લગ્ન અગાઉ જ અમુક વસ્તુઓની ચોકસાઇ કરી લેવી જોઇએ જેથી પાછળથી પસ્તાવાનો વારો ન આવે લગ્ન અગાઉ દરેક મૂરતિયાએ પોતાની ભવિષ્યની પત્નીને નિખાલસતાથી પૂછી લેવું જોઇએ કે તે લગ્ન પછી સંયુક્ત પરિવારમાં રહેવા માંગે છે કે અલગ થવા માંગે છે..? આજની આધુનિક કન્યાઓને સાસુ - સસરાની સેવા કરવી નથી હોતી અને તેમની મર્યાદાઓ પણ જાળવવી નથી હોતી આ કારણે તેઓ લગ્ન અગાઉથી જ સ્વતંત્ર થવાની યોજના ઘડી ચૂકી હોય છે પણ આ વાતની જાણ પોતાના ભાવિ પતિને કરતી નથી લગ્નના થોડા મહિનામાં જ તે પોતાની ઇચ્છા પ્રગટ કરે છે અને ઘરમાં ઝઘડાઓ થાય છે. કન્યા જો લગ્ન પહેલા નોકરી કરતી હોય અથવા સારી કારકિર્દીમાં સ્થિર થયેલી હોય તો લગ્ન પછી આ નોકરીનું અને કારકિર્દીનું શું કરવું।.??  તેની ચોખવટ પણ અગાઉથી જ કરી લેવી જોઇએ આજની યુવતીઓ પોતાની નોકરીને અને આર્થિક સ્વતંત્રતાને પતિ અને લગ્નજીવન કરતાં પણ વધુ પ્રેમ કરતી હોય છે  તેઓ એવું માનીને પરણતી હોય છે કે લગ્ન પછી પણ તેને પોતાની નોકરી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે સાસરાના નીતિનિયમો મુજબ આ છૂટ આપવામાં ન આવે ત્યારે ઘરમાં સંઘર્ષનાં બીજ રોપાતાં હોય છે અને મામલો છેવટે છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. ઘણા પરિવારોમાં બે છેડા ભેગા કરવા માટે ઘરની વહુને નોકરી કરવાની ફરજ પાડવામાં આવતી હોય છે નોકરી કરતી યુવતીઓ પોતાનાં ઘરની અને બાળકોની વ્યવસ્થિત કાળજી રાખી શકતી નથી તેઓ ઓફિસે હોય ત્યારે તેમને ઘરની ચિંતા સતાવે છે અને ઘરે હોય ત્યારે ઓફિસનું ટેન્શન હોય છે પત્નીની જવાબદારી પતિ ઉપર આવી જાય છે પતિની આ કાર્ય કરવાની માનસિક તૈયારી નથી હોતી જેને કારણે સંઘર્ષ થાય છે અને મામલો છૂટાછેડા સુધી પહોંચી જાય છે  લગ્નજીવનમાં જો સુખી થવું હોય તો સ્ત્રીએ લગ્ન પછી નોકરી કરવાનો આગ્રહ છોડી દેવો જોઇએ...

આજની આપણી વિષમ આર્થિક અને સામાજીક પરિસ્થિતિને કારણે લગ્ન કરીને સાસરે જતી સ્ત્રીઓના માથે પોતાનાં વૃદ્ધ માતા પિતાની સારસંભાળની જવાબદારી પણ આવી પડે છે જે પરિવારોમાં પુત્રો નથી હોતા અને માત્ર દીકરીઓ જ હોય છે  તેમાં આવું ખાસ બને છે ઘણી વખત પુત્રો હોય છે પણ તેઓ પોતાનાં માતાપિતાની જવાબદારી નિભાવવાની ક્ષમતા કે દાનત ધરાવતા નથી હોતા જેને કારણે પરિણીત પુત્રીઓ ઉપર આ જવાબદારી આવી પડે છે પુત્રીઓ પોતે સાસરામાં સુખી હોય અને તેમને પોતાનાં માબાપ માટે લાગણી હોય એટલે તેમને માબાપને આર્થિક મદદ કરવાની ઇચ્છા થઇ આવે છે પણ તેને કારણે તેના ઘરમાં વિસંવાદ પેદા થાય છે. સંયુક્ત પરિવારમાં ઘરની વહુ આ રીતે પોતાના પિયરના સગાને આર્થિક મદદ કર્યા કરે તે ઘણા સભ્યોને ગમતું નથી વિભક્ત પરિવારમાં પતિની કમાણી ઓછી હોય અથવા તેનામાં ઉદારતાનો અભાવ હોય તો તે પોતાની પત્નીને રોકે છે જેને કારણે ઘરમાં ઝઘડાઓ થાય છે તેમાં પણ સ્ત્રી જો નોકરી કરતી હોય તો તે પોતાની આવકમાંથી મા બાપનું ભરણપોષણ કરવાની કોશિશ કરે છે જેને કારણે પણ સંઘર્ષ થાય છે. આ બાબતમાં પતિ - પત્ની પરસ્પર સમજણથી અને વિશ્ર્વાસથી કામ લે તે બહુ જરૂરી છે જૂના જમાના માં મા બાપે પરણેલી પુત્રીના ઘરનું પાણી પણ પીવું નહીં, એવો જે રિવાજ હતો એ આ પ્રકારના સંઘર્ષને ટાળવા માટે જ હતો..

આજે લગ્નજીવનમાં ખટરાગ વધી રહ્યો છે તેનું એક કારણ સ્ત્રીઓના મગજમાં સવાર થઇ ગયેલો સંદિગ્ધ સ્વતંત્રતાનો નશો છે આજની સ્ત્રી એમ માને છે કે તે નોકરી કરે અને તેની પોતાની આવક હોય તો જ તે સ્વતંત્ર બની શકે નોકરી કરતી અને પોતાની સ્વતંત્ર આવક ધરાવતી સ્ત્રીઓ એમ માનવા લાગે છે કે તેઓ પોતાની પારિવારિક જવાબદારી ન નિભાવે તો પણ ચાલી શકશે  સ્ત્રી આર્થિક દૃષ્ટિએ પગભર બની જાય એટલે તેનામાં એક પ્રકારનો અહંકાર આવી જાય છે.હકીકતમાં નોકરી કરતી સ્ત્રી સ્વતંત્ર નથી બનતી પણ તેના બોસની ગુલામ બની જાય છે જેને કારણે પતિનું સ્વમાન ઘવાય છે અને પતિ - પત્નીના ઝઘડાઓ જન્મ ધારણ કરે છે. હકીકતમાં ઘરમાં રહેતી ગૃહિણી જેટલી સ્વતંત્ર છે એટલી નોકરી કરતી મહિલા સ્વતંત્ર નથી. પરણેલી સ્ત્રીઓ જો આ સ્ત્રી સમાનતાની ખોટી ધારણામાંથી બહાર આવે તો ઘણાં લગ્નજીવન બચી જાય તેમ છે. ગૃહસ્થાશ્રમમાં સુખી થવા માટે અને શાંતિથી જીવવા માટે જેમ નીતિની કમાણીની જરૂર છે તેમ લગ્નજીવનમાં પણ સ્થિરતા અને સંતોષની આવશ્યકતા છે. કોઇ માણસ પાસે અબજો રૂપિયાની સંપત્તિ હોય પણ તેનું લગ્નજીવન નિષ્ફળ હોય તો તે માણસને સુખી ગણી શકાય નહીં વર્તમાન સમાજમાં લગ્નજીવનને નિષ્ફળ બનાવતાં પરિબળોને આપણે અનુભવના બળે ઓળખી લેવાં જોઇએ આ પરિબળોથી દૂર રહેવામાં આવે અને લગ્નસંસ્કાર માટે ઋષિમુનિઓએ જે મર્યાદાઓ નક્કી કરી છે તેનું કડક પાલન કરવામાં આવે તો પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે તેમ છે.  (Courtesy : Mumbai Samachar)

- અતુલ એન. ચોટાઈ  - (પત્રકાર અને લેખક)

No comments: