Sunday, December 13, 2015

રાજકોટના મેયરપદે ડો.જૈમન ઉપાધ્યાયની વરણી-inf.by AShok Hindocha M-94262 54999- Congratulations & wishing all the best

રાજકોટના મેયરપદે ડો.જૈમન ઉપાધ્યાયની વરણી
 
રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને દંડકની ચૂંટણી કરવા માટે આજે સવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપે મેયરપદ માટે સિનિયર કોર્પોરેટર અને અગાઉ સ્ટેન્ડિંગ કમિટી સહિતની અનેક કમિટીઓમાં જવાબદારી વહન કરી ચૂકેલા જાણીતા તબીબ ડો.જૈમન ઉપાધ્યાયની પસંદગી કરી છે.
રાજકોટના પ્રભારી મંત્રી નીતિનભાઈ પટેલ બંધ કવર લઈને આજે સવારે રાજકોટ આવી પહોંચ્યા હતાં અને તેમની હાજરીમાં સામાન્ય સભા પૂર્વે પક્ષની સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં નીતિનભાઈ પટેલે મેયર તરીકે ડો.જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલ, પક્ષના નેતા તરીકે અરવિંદ રૈયાણી અને દંડક તરીકે રાજુભાઈ અઘેરાના નામની જાહેરાત કરી હતી અને આ પાંચેય હોદ્દેદારના નામજોગ મેન્ડેટ કાઢીને કોર્પોરેટરોને આપવામાં આવ્યા હતાં.
મેયરપદના પ્રબળ દાવેદારમાં નીતિનભાઈ ભારદ્વાજનું નામ જોરશોરથી બોલાઈ રહ્યું હતું પરંતુ અગાઉની માફક આ વખતે પણ તેના હોઠ સુધી આવેલો મેયરપદનો પ્યાલો છીનવાઈ ગયો છે. નીતિનભાઈ ભારદ્વાજ અને કશ્યપભાઈ શુક્લની ગણના ટોચના દાવેદાર તરીકે થતી હતી પરંતુ ભાજપ્ની પ્રદેશ નેતાગીરીએ આ બન્નેના બદલે ડો.જૈમન ઉપાધ્યાયના નામની પસંદગી કરી છે.
મહાનગરપાલિકામાં કદાચ પ્રથમ વખત મેયર અને ડેપ્યુટી મેયરના બન્ને હોદ્દાઓ ડોક્ટરોના ફાળે ગયા છે. ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતા શાહની પસંદગી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત જ ચૂંટણી લડીને વિજેતા બનેલા દર્શિતા શાહ સીધા જ ડેપ્યુટી મેયર બની ગયા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશભાઈ મીરાણી, પુષ્કર પટેલ અને અરવિંદ રૈયાણીના નામ પેનલમાં મૂકાયા હતાં જે પૈકી કડવા પટેલ સમજના આગેવાન પુષ્કરભાઈ પટેલના નામ પર પ્રદેશ ભાજપે મંજૂરીની મહોર મારી છે. જ્યારે આ પેનલમાં નામ ધરાવતાં ઉપલાકાંઠા વિસ્તારના અરવિંદભાઈ રૈયાણીને પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. દંડક તરીકેની જવાબદારી સિનિયર કોર્પોરેટર રાજુભાઈ અઘેરાને સોંપવામાં આવી છે.

No comments: