Saturday, April 4, 2015

સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ ૬૬-એ ને રદ્દ કરી નાખી inf. by www.ashokhindocha.blogspot.com M-94262 54999

સુપ્રીમ કોર્ટે આઈટી એક્ટની કલમ ૬૬-એ ને રદ્દ કરી નાખી

inf. by
www.ashokhindocha.blogspot.com M-94262 54999
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે વેબસાઇટ પર કહેવાતી ‘અપમાનકારક’ (વાંધાજનક) વિગત પોસ્ટ કરનારી વ્યક્તિની ધરપકડ માટેની કાયદામાંની જોગવાઇને ગેરબંધારણીય ગણાવીને કાઢી નાખી હતી અને વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરી હતી. ન્યાયાધીશ જે. ચેલમેશ્ર્વર અને ન્યાયાધીશ આર. એફ. નરીમાનની બનેલી બેન્ચે વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતાને વ્યક્તિનો ‘મૂળભૂત’ અધિકાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે વેબસાઇટ પર કહેવાતી અયોગ્ય કે વાંધાજનક માહિતી પોસ્ટ કરનારી વ્યક્તિઓ સામે વિવિધ વહીવટીતંત્ર દ્વારા માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારાની કલમ ૬૬ – એ ના આધારે લેવાતા પગલાં બરાબર નથી. આમ છતાં, બેન્ચે વેબસાઇટ્સ બ્લોક કરવાની અને અમુક કિસ્સામાં જવાબદારી નક્કી કરવામાંથી વચેટિયાઓ કે મધ્યસ્થીઓને મુક્તિ આપતી આ કાયદાની કલમ ૬૯-એ અને ૭૯ને રદ કરવાની અરજીને કાઢી નાખી હતી. અદાલતે જણાવ્યું હતું કે આઇટી ધારાની કલમ ૬૬-એ વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે તેમ જ આવા હક અને વાજબી નિયંત્રણ વચ્ચેની સમતુલાને નુકસાન પહોંચાડે છે. અગાઉ, શિવસેનાના નેતા બાળ ઠાકરેના મૃત્યુને પગલે શહેરમાં પાળવામાં આવેલા બંધની વિરોધમાં ફેસબુક પરની ટિપ્પણીને લાઇક કરનારી મુંબઈની બે છોકરીની ધરપકડ અને ઉત્તર પ્રદેશમાં પ્રધાન આઝમ ખાનની સામે એક યુવાને લખેલી પોસ્ટના કિસ્સાને પગલે અદાલત દ્વારા ઘણાં સમયથી કાયદાની આ કલમને તપાસાઇ રહી હતી. અદાલતે વિચારની અભિવ્યક્તિ પર વાજબી નિયંત્રણ મૂકતી બંધારણની કલમ ૧૯ (૧) (એ) અને ૧૯ (૨) તેમ જ સમાનતાના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી કલમ ૧૪ અને ૨૧ની જોગવાઇ તપાસી હતી. અગાઉની યુપીએ સરકારે સુધારા ખરડા દ્વારા પસાર કરાવેલી આઇટી કાયદાની કલમ ૬૬-એનો હાલની એનડીએ સરકાર દ્વારા પણ બચાવ કરાયો હતો. ન્યાયાધીશ જે. ચેલમેશ્ર્વર અને ન્યાયાધીશ આર. એફ. નરીમાનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે આઇટી કાયદાની કલમ ૬૬ – એ માં વપરાયેલા કોઇ પણ મુદ્દાની વ્યાખ્યા નથી કરાઇ. બેન્ચે જણાવ્યું હતું કે કાયદાની આ કલમમાં ‘ક્રિમિનલ ઇન્ટિમિડેશન’ (ડરાવવા કે ધમકાવવાનો ગુનો)ની વ્યાખ્યા પણ નથી કરાઇ અને માહિતી તંત્રજ્ઞાન ધારાના પરિશિષ્ઠ બેમાં એવું નથી કહેવાયું કે પીનલ કોડમાં જે શબ્દો અને વિચારોની વ્યાખ્યા કરાઇ છે તે આ ધારાને પણ લાગુ પડી શકાય છે. અદાલતે જણાવ્યું હતું કે માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ ૬૯એ અને ૨૦૦૯નો માહિતી તંત્રજ્ઞાન (પ્રોસિજર એન્ડ સેફગાર્ડસ ફોર બ્લોકિંગ ફોર એક્સેસ ઑફ ઇન્ફર્મેશન બાય પબ્લિક) કાયદો બંધારણીય દૃષ્ટિએ યોગ્ય છે.
કલમ ૬૬ – એ શું છે..??
સુપ્રીમ કોર્ટે ઇન્ફર્મેશન ટેક્નોલોજી ધારાની કલમ ૬૬-એ કાઢી નાખી હતી. આ સેકશનમાં સોશિયલ મીડિયા સાઇટ્સ પર નફરત પેદા કરે કે આક્રમક સંદેશ પોસ્ટ કરનારની ધરપકડ કરી શકાતી હતી. વિવાદાસ્પદ અને આક્રમક સાહિત્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોસ્ટ કરનારને ત્રણ વર્ષની જેલની સજા કરી શકાય છે. સેકશન ૬૬-એમાં કમ્પ્યુટર્સ અથવા બીજા કાઇે કમ્યુનિકેશન ડિવાઇસ જેવી કે મોબાઈલફોન અથવા ટૅબ્લેટ દ્વારા ધિક્કરજનક સંદેશો મોકલવાની બાબતને ગુનો ગણવામાં આવે છે. આ માટે કસૂરવારને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. કાયદા પ્રમાણે જે કોઇ વ્યક્તિ કમ્પ્યુટર અથવા કમ્યુનિકેશન ડિવાઈસ દ્વારા આક્રમક અથવા જોખમી હોય એવી બાતમી મોકલે અથવા આવી ખબર ખોટી હોવાનું તે જાણતી હોય, પરંતુ કોઈને ગુસ્સે કરવા, દહેશત ફેલાવવા આડખીલી કે અંતરાયરૂપ, અપમાનજનક, ઇજા પમાડનારી, ગુનાઇત ધાકધમકી, દુશ્મનાવટ નફરત પેદા કરનારી, ખરાબ ઉદ્દેશ ધરાવતી, માહિતી પોસ્ટ કરવા કમ્પ્યુટર અથવા કમ્યુનિકેશન ડિવાઇસના દ્વારા મોકલવામાં આવી હોય. ઈલેક્ટ્રોનિક મેલ, અથવા ઈલેક્ટ્રોનિક મેલ મેળવનાર વ્યક્તિને છેતરવા, અથવા ગેરમાર્ગે દોરે તેવો સંદેશ મોકલનારને દંડ અને ત્રણ વર્ષની સજા થઈ શકે. કમ્યુનિકેશન ડિવાઈસમાં ટેક્સ, ઇ-મેસેજીસ, ઑડિયો, વિડિયો અને અન્ય ઈલેક્ટ્રોનિક રેકોર્ડ જે સંદેશ સાથે ટ્રાન્સમિટ કરવામાં આવ્યા હોય તેને પણ સજા પાત્ર ગુનો ગણાય છે.
દુરુપયોગ ના આ રહ્યા ૧૦ કેસ
(૧) જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મહાપાત્રાની ૨૦૧૨માં તૃણમૂલ કૉંગ્રેસનાં વડા મમતા બેનરજીના કાર્ટૂન ફેસબુક પર ફોરવર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
(૨) કાર્યકર અસીમની સંસદ અને બંધારણ બિનઅસરકારક હોવાનું વર્ણવતા કાર્ટૂન ચિતરવા બદલ ૨૦૧૨માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ઉશ્કેરણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે જંગી વિરોધમાં પરિણમ્યો હતો.
(૩) ૨૦૧૨ની બીજી એક ઘટનામાં મુંબઈમાં ઍર ઇન્ડિયાના કર્મચારી મયંક શર્મા અને કે.વી. રાવની રાજકારણીઓ વિરુદ્ધ આક્રમક ટીકા ફેસબુક ગ્રુપ પર પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
(૪) ૨૦૧૨માં બિઝનેસમેન રવિ શ્રીનિવાસન પર પુડુચેરી પોલીસે કેન્દ્રના પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તી ‘ભ્રષ્ટ’ હોવાનું ટ્વિટર પર જણાવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
(૫) કાશ્મીરના કિશ્તવાર જિલ્લાના ત્રણ યુવાન કિશોરી શર્મા, બંસીલાલ અને મોતીલાલ શર્માએ ફેસબુક પર ધાર્મિક લાગણી દુભવતા પ્રતીકો પોસ્ટ કરીને માહિતી ટેકનોલોજીનો દુરુપયોગ કોમી દ્વેષની લાગણી ફેલાવવા કરી હોવાના કારણોસર તેમની ધરપકડ કરાઈ હતી. તેમને ૪૦ દિવસ જેલની સજા કરવામાં આવી હતી.
(૬) વારાણસીના પર્યટન ખાતાના અધિકારીની સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનનાં વાંધાજનક ચિત્રો અપલોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
(૭) ૨૦૧૩ના ઑગસ્ટમાં કવિ-લેખક કંવલ ભારતીની યુપી સરકારની આઇએએસ અધિકારી દુર્ગાશક્તિ નાગપાલની બરતરફી બદલ ટીકા કરતો સંદેશ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
(૮) ૨૦૧૪માં યુવા શિપિંગ પ્રોફેશનલ દેવુ ચોડણકરની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અણછાજતી ટીકા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
(૯) પોલીસે સીપીઆઇ-એમના કાર્યકર્તા રાજીશ કુમારની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિંદા કરતી ટિપ્પણી અને તેમના ફોટા પોસ્ટ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.
(૧૦) હાલમાં અગિયારમા ધોરણના વિદ્યાર્થીની યુપીના પ્રધાન આઝમ ખાન વિશે ફેસબુક પર નિવેદન પોસ્ટ કર્યાના ૨૪ કલાકમાં ધરપકડ કરાઈ હતી. તે પાછળથી નિવેદન પાછું ખેંચવા સહમત થયો હતો અને તેના માતાપિતાએ લેખિત માફી માગી હતી.
કોણ છે શ્રેયા સિંઘલ..?
સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકનારની ધરપકડ કરવાની પરવાનગી આપતી આઇટી એક્ટની વિવાદાસ્પદ ૬૬-એ કલમ રદ કરવાનો કોર્ટનો નિર્ણય કાયદાની આ જોગવાઇને કોર્ટમાં સૌપ્રથમ પડકારનાર કાયદાની વિદ્યાર્થિની શ્રેયા સિંઘલ માટે સીમાચિહ્નરૂપ વિજય બની ગયો છે. સુપ્રીમ કોર્ટે કાયદાની આ જોગવાઇ રદ કરતો ચુકાદો આપ્યા બાદ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં શ્રેયાએ કહ્યું હતું કે કાયદાની આ જોગવાઇ અમારાં વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર તરાપસમાન હતી અને સુપ્રીમ કોર્ટે અમારા આ અધિકારને આજે સમર્થન આપ્યું છે. શ્રેયા વકીલોનાં પરિવારમાંથી આવે છે. તેની માતા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે તો તેનાં દાદીમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ હતાં. શિવસેનાના વડા બાળ ઠાકરેના મૃત્યુ બાદ મુંબઈ સંપૂર્ણપણે બંધ રાખવાને મામલે સોશિયલ મીડિયા પર નિંદાત્મક ટિપ્પણી કરવાને મામલે બે યુવતીની ધરપકડ કરવામાં આવ્યાને પગલે વર્ષ ૨૦૧૨ માં શ્રેયાએ આ મામલે કોર્ટમાં અરજી કરી હતી તે સમયે તે ૨૧ વર્ષની હતી. શ્રેયાએ કહ્યું હતું કે પરિવારજનોએ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. હું કાયદાની વિદ્યાર્થિની હોવાને કારણે મને ખબર હતી કે સીધું સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકાય છે. શ્રેયાએ કહ્યું હતું કે તે કે જાણે છે કે આ વ્યવસાય સાથે સંકળાયેલા વરિષ્ઠો જે સિદ્ધિ નથી મેળવી શક્યા તે સિદ્ધિ તેણે વકીલ બનતાં અગાઉ જ મેળવી લીધી છે.www.ashokhindocha.blogspot.com M-94262 54999
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: